મુંબઇઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત થઈ ચૂકી છે. આરબીઆઈ (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરતા જણાવ્યું કે, રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટને 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ થાય છે કે તમારી લોનની ઈએમઆઈ (EMI)માં કોઈ વધારો નહીં થાય.
તમારી લોનનું વ્યાજ સ્થિર રહેશે
ગવર્નરે જણાવ્યું કે વૈશ્વિક સ્તરે ઘણી સેન્ટ્રલ બેંકો વ્યાજ દરો વધારી રહી છે, પરંતુ આરબીઆઈ (RBI)ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવાયો છે. વૈશ્વિક અર્થતંત્ર (ગ્લોબલ ઈકોનોમી)માં અનિશ્ચિતતા જોવા મળી છે અને સપ્લાય ચેઈન ખોરવાવાને કારણે બજારમાં પણ ઉતાર-ચઢાવ આવ્યો છે. જોકે, ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. આપણે આ મુશ્કેલ સમયમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યા છીએ અને આપણી ઈકોનોમી સ્થિર છે.
આ પહેલા આરબીઆઈએ ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધીમાં વ્યાજ દરોમાં કુલ 125 પોઈન્ટનો ઘટાડો કર્યો છે. જોકે, છેલ્લી મોનેટરી પોલિસી બેઠકથી અત્યાર સુધી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ મોંઘવારીની વાત કરીએ તો, ભારતમાં છૂટક મોંઘવારી દર એપ્રિલ 2026માં વધીને 3.48% થઈ ગયો છે, જે આરબીઆઈના 4%ના મધ્યમ ગાળાના લક્ષ્યાંક કરતાં ઓછો છે.
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં 6 સભ્યોની એમપીસી (MPC) સમિતિએ બુધવાર, 3 જૂનના રોજ પોતાની ત્રણ દિવસની પોલિસી બેઠક શરૂ કરી હતી અને આજે તેના પર નિર્ણય આવી ગયો છે. આ વખતે આરબીઆઈ સામે ક્રૂડ ઓઇલની વધતી કિંમતો, રૂપિયામાં ઘટાડો અને મોંઘવારી વધવાના જોખમ જેવા મોટા પડકારો છે.
રેપો રેટ (Repo Rate) શું છે?
રેપો રેટ એ વ્યાજનો દર છે જેના પર ભારતીય રિઝર્વ બેંક (RBI) જરૂરિયાત ઊભી થવા પર બેંકોને ટૂંકા ગાળા માટે લોન આપે છે. જો આપણે આને સરળ ભાષામાં સમજીએ તો, જ્યારે કોઈ બેંક પાસે પૈસાની અછત હોય છે, ત્યારે તે આરબીઆઈ (RBI) પાસેથી પૈસા ઉધાર લે છે. આરબીઆઈ જે વ્યાજ દરે બેંકોને આ પૈસા આપે છે, તેને જ 'રેપો રેટ' કહેવામાં આવે છે.