Sat Jul 18 2026

Logo

વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો છતાં સ્થાનિકમાં 520ની અને ચાંદીમાં રૂ. 1960ની પીછેહઠ

2026-07-17 20:28:52
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ રહેવાથી ફુગાવામાં થનારા અપેક્ષિત ભાવવધારાને ધ્યાનમાં લેતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનાના ભાવ ગત પહેલી જુલાઈ પછીની સૌથી નીચી સપાટી સુધી પહોંચી ગયા બાદ આજે લંડન ખાતે ખાસ કરીને સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ધીમો ઘસારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 518થી 520નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1960નો ઘટાડો આગળ ધપ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તથા ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1960ના ઘટાડા સાથે રૂ. 2,15,474ના મથાળે રહ્યા હતા.

તે જ પ્રમાણે વૈશ્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સોનામાં નરમાઈનું વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 518 ઘટીને રૂ. 1,40,594 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 520 ઘટીને રૂ. 1,41,159ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ વધુ ભાવઘટાડાના આશાવાદે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. 

ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ઘટીને ગત પહેલી જુલાઈ પછીની સૌથી નીચી આૈંસદીઠ 3996.29 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી ભાવ સાધારણ 0.7 ટકા વધીને 3996.29 ડૉલર આસપાસ અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.2 ટકા વધીને આૈંસદીઠ 4000 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, હાજરમાં ચાંદીના ભાવ 0.03 ટકા ઘટીને આૈંસદીઠ 55.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. 

એકંદરે ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં આજે વેચાણો કપાતા ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું ફોરેક્સ ડૉટ કૉમના વિશ્લેષક રઝાકઝાદાએ જણાવતાં ઉમેર્યું હતું કે જો ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ રહેશે તો ફુગાવામાં વધારો થવાથી કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સોનાના ભાવ દબાણ હેઠળ આવે તેવી શક્યતા પ્રબળ બને છે. 

દરમિયાન ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ કરતાં અમેરિકાએ ઈરાનના લશ્કરી મથકો પર હુમલા કર્યા હતા અને તેના જવાબમાં ઈરાને પણ અમેરિકાના સહયોગી અખાતી દેશો પર હુમલા કરતાં ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

વધુમાં ગઈકાલે ડલાસ ફેડરલ રિઝર્વના પ્રમુખ લૉરી લોગાને ફેડર રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શને જાહેરમાં વ્યાજદર વધારવા માટે હાકલ કરી હતી. તેમ જ ફેડરલ રિઝર્વના ઉપાધ્યક્ષ ફિલિપ જેફર્સને જણાવ્યું હતું કે જો આગામી ટૂંકા સમયગાળામાં ફુગાવામાં વધારો થશે તો વ્યાજદરમાં વધારાનું હું તરફેણ કરું છું. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 50 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા.