Mon Oct 05 2026

Logo

દારૂના નશામાં માતાની પીટાઈ કરનારા પિતાને મારીને કૂવામાં ફેંક્યો: બન્ને દીકરા સામે ગુનો

2026-10-05 20:41:40
Author: Yogesh C. Patel
દારૂના નશામાં માતાની પીટાઈ કરનારા પિતાને મારીને કૂવામાં ફેંક્યો: બન્ને દીકરા સામે ગુનો

જાલના: દારૂના નશામાં માતાની મારપીટ કરનારા પિતાને પતાવી નાખી શબ કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતાં પોલીસે મૃતકના બન્ને દીકરા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બદનાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે વાશિમ જિલ્લાના વાકડ ખાતે રહેતા રાજુ દેવકર (48)ના મૃતદેહને બન્ને દીકરા સુનીલ દેવકર (25) અને અનિલ દેવકરે (27) વાઘુલ ડોંગરગાંવ ખાતેના એક કૂવામાં ફેંકી દીધો હતો.

પહેલી ઑક્ટોબરે દારૂના નશામાં રાજુએ પત્નીની મારપીટ કરી હતી. આવા વર્તનથી રોષે ભરાયેલા સુનીલે લાકડીથી પિતાને ફટકાર્યો હતો, જેમાં રાજુ ગંભીર રીતે ઘવાયો હતો. પછી બન્ને ભાઈ સુનીલ અને અનિલ પિતાને છત્રપતિ સંભાજીનગર ખાતેની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં લઈ જવા નીકળ્યા હતા. જોકે માર્ગમાં રાજુ સતત સુનીલને ગાળો ભાંડતો હતો. પરિણામે ગુસ્સામાં સુનીલે પિતાનું ગળું દબાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે સિંધખેડ રાજા પહોંચ્યા ત્યારે અનિલને ધ્યાનમાં આવ્યું કે તેના પિતા મૃત્યુ પામ્યા છે. તે સમયે સુનીલ બનેલી ઘટના કોઈને ન કહેવા અનિલને આજીજી કરવા લાગ્યો હતો. પોતાની ધરપકડ થશે તો આત્મહત્યા કરી લેશે, એવી ધમકી પણ તેણે આપી હતી, જેને પગલે ડરી ગયેલા અનિલે પિતાના મૃતદેહને વાઘુલ ડોંગરગાંવ ખાતેના એક ખેતરમાંના કૂવામાં ફેંકવામાં મદદ કરી હતી.

બન્ને ભાઈએ ગામવાસીઓ સામે વાર્તા ઉપજાવી કાઢી હતી કે ચાલતી કારમાંથી પિતા કૂદીને ભાગી ગયા હતા. જોકે બનેલી ઘટનાની જાણ અનિલે તેના ત્રીજા ભાઈ સીતારામને કરી હતી. સીતારામે તરત જ પોલીસને જાણ કરી હતી. માહિતીને આધારે પોલીસે કૂવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. સુનીલ અને અનિલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને વધુ તપાસ માટે કેસ રિસોડ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો હતો. (પીટીઆઈ)