થાણે: ડોંબિવલીની હોસ્પિટલમાં ડોક્ટરોની મારપીટના કેસમાં મુખ્ય આરોપી એવા શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે તથા અન્ય ત્રણના જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા બાદ તેમણે થાણે જિલ્લાની ટ્રાયલ કોર્ટ સમક્ષ રવિવારે આત્મસમર્પણ કર્યું હતું. ચારેયની બાદમાં કલ્યાણની આધારવાડી જેલમાં રવાનગી કરવામાં આવી હતી.થાણે જિલ્લાના ડોંબિવલીમાં આવેલી શાસ્ત્રી નગર મ્યુનિસિપલ હોસ્પિટલના લેબર વોર્ડમાં ડ્યૂટી પર હાજર મહિલા ડોક્ટર સહિત ચાર ડોક્ટરની મારપીટ કરવા અને ગાળો ભાંડવાનો રમેશ મ્હાત્રે તથા અન્ય ત્રણ જણ પર આરોપ છે.
સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરે બોમ્બે હાઇ કોર્ટના આદેશને બાજુ પર રાખીને મ્હાત્રે અને તેના ત્રણ સાથીદાર રમેશ પવાર, પ્રમોદ ઉર્ફે પ્રકાશ નિકમ તથા અક્ષય કારન્ડેના જામીન રદ કર્યા હતા અને તેમને પાંચમી ઑક્ટોબરે ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. અન્ય આરોપી સાધના કારન્ડેના અગાઉ કલ્યાણ કોર્ટે જામીન નકાર્યા હતા અને તેન જુડિશિયલ કસ્ટડી હેઠળ આધારવાડી જેલમાં છે.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે શારીરિક હિંસા, ધમકી કે દબાણના ભય હેઠળ કામ કરતી વખતે કોઇ ડોક્ટર પાસેથી યોગ્ય અને સ્વતંત્ર નિર્ણય લેવાની અપેક્ષા રાખી શકાય નહીં.જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મેહતાની ડિવિઝન બેન્ચે મ્હાત્રેની ભૂતકાળની વિગતો રજૂ કરીને કહ્યું હતું કે નીચલી અદાલતોએ તેના ગુનાહિત ઇતિહાસને યોગ્ય મહત્ત્વ આપવામાં નિષ્ફળતા દાખવી હતી. તેની સામે 18 કેસ નોંધાયેલા છે, જેમાં ભારતીય દંડસંહિતાની કલમ 320 (હત્યા) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ સજાપાત્ર ગુનાઓનો સમાવેશ છે.
નોંધનીય છે કે ડોક્ટરોની મારપીટની ઘટના 6 જુલાઇએ શાસ્ત્રી નગર હોસ્પિટલમાં બની હતી. ગર્ભવતી મહિલાના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર સારવારમાં વિલંબનો આરોપ લગાવ્યો હતો. મ્હાત્રે તથા અન્ય ચાર જણ હોસ્પિટલમાં ભેગા થયા હતા અને સારવારમાં કથિત વિલંબ અંગે બોલાચાલી થયા બાદ તેમણે ડોક્ટરોની મારપીટ કરી હતી. (પીટીઆઇ)