Tue Oct 06 2026

Logo

બોમ્બે હાઈ કોર્ટનો એસઆઈઆર પ્રક્રિયા પર રોક લગાવવાનો ઈનકાર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ

2026-10-05 21:02:43
Author: Mumbai Samachar Team
બોમ્બે હાઈ કોર્ટનો એસઆઈઆર પ્રક્રિયા પર રોક લગાવવાનો ઈનકાર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ

મુંબઈ: મહારાષ્ટ્રમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા એટલે કે એસઆઈઆર હેઠળ મતદારોના નામ કાપવા પર તાત્કાલિક રોક લગાવવાનો બોમ્બે હાઈ કોર્ટે ઈનકાર કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ મહેશચંદ્ર ત્રિપાઠી અને ન્યાયમૂર્તિ અદ્વૈત સેઠનાની ખંડપીઠે જણાવ્યું હતું કે એસઆઈઆર સંબંધિત મામલા સુપ્રીમ કોર્ટમાં  પેન્ડિંગ છે, તેથી સમાન મુદ્દે એક સાથે કાર્યવાહી કરવી યોગ્ય નહીં ગણાય.

આ મામલો વંચિત બહુજન આઘાડીના યુવા વિભાગના પ્રમુખ સાગર રમેશ ગવઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ચાલી રહ્યો હતો. અરજીમાં મહારાષ્ટ્રમાં એસઆઈઆરની ઘરેઘરે ગણતરી દરમિયાન પ્રક્રિયાત્મક નિયમોના ઉલ્લંઘન અને મનસ્વી રીતે મતદારોના નામ દૂર કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. અરજીમાં પારદર્શકતા જાળવવા અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની જોગવાઈઓનું પાલન કરવાની માગણી કરવામાં આવી હતી.

અરજદાર તરફથી વકીલ પ્રકાશ આંબેડકરે મતદાર યાદીમાંથી વધુ નામ દૂર કરવાની પ્રક્રિયા પર વચગાળાની રોક લગાવવાની માંગ કરી હતી. સાથે જ કોઈ મતદારનું નામ કાઢતા પહેલાં ચૂંટણી નોંધણી અધિકારી દ્વારા ઔપચારિક સુનાવણી યોજી વ્યક્તિગત મૌખિક આદેશ આપવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી હતી. જોકે, હાઈ કોર્ટે હાલ આ તબક્કે આ મામલામાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો હતો.

ચૂંટણી પંચ તરફથી વરિષ્ઠ વકીલ આશુતોષ કુંભકોણીએ કોર્ટને જણાવ્યું હતું કે એસઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 8 ઓક્ટોબરે સુનાવણી થવાની છે. આ પછી હાઈ કોર્ટે નોંધ્યું કે એક જ મુદ્દે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં એકસાથે કાર્યવાહી કરવી ન્યાયિક ઔચિત્યની વિરુદ્ધ રહેશે. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટને એસઆઈઆર સંબંધિત સમાંતર કાર્યવાહી મુલતવી રાખવા અથવા ટાળવા અંગે અગાઉ સૂચના આપી હોવાનું પણ કોર્ટ સમક્ષ જણાવાયું હતું.

હાઈ કોર્ટે આ અરજીની સુનાવણી ત્રણ અઠવાડિયા બાદ રાખી છે. એટલે હાલ મહારાષ્ટ્રમાં એસઆઈઆર હેઠળ મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની પ્રક્રિયા પર બોમ્બે હાઈકોર્ટ તરફથી કોઈ તાત્કાલિક રોક લાગુ કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે એસઆઈઆર અંગેની આગામી મહત્વપૂર્ણ સુનાવણી હવે 8 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં થવાની છે.

અરજીમાં મતદારના નામ દૂર કરવાની પ્રક્રિયામાં ચૂંટણી નોંધણી અધિકારીની ઔપચારિક સુનાવણી અને વ્યક્તિગત મૌખિક આદેશ જરૂરી હોવાની માગણી કરવામાં આવી છે. જોકે, બોમ્બે હાઈ કોર્ટે હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે આ મુદ્દે કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઈનકાર કર્યો છે.

SIRમાં મતદારો માટે ‘કેચ-22’ સ્થિતિ, પાત્ર મતદાર બહાર ન રહી જાયઃ બોમ્બે HC

પણજી: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી નામ બહાર થયેલા મતદારો ‘કેચ-22’ જેવી સ્થિતિમાં (પરસ્પર વિરોધાભાસી અથવા ગૂંચવણભરી પરિસ્થિતિ) ફસાઈ રહ્યા હોવાનું બોમ્બે હાઈ કોર્ટની ગોવા બેન્ચે નોંધ્યું છે. જસ્ટિસ વાલ્મિકી મેનેઝેસ અને જસ્ટિસ અમિત જામસાંડેકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ પાત્ર નાગરિકનું નામ અંતિમ મતદાર યાદીમાંથી બહાર ન રહેવું જોઈએ. આ મામલે પરેશ સાલગાંવકર અને તેમના પરિવારની અરજી પર સુનાવણી ચાલી રહી છે.

કોર્ટે કહ્યું કે ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોવાથી ફોર્મ-8ની અરજી સિસ્ટમ દ્વારા નકારી દેવામાં આવે તો મતદાર પાસે કોઈ રસ્તો રહેતો નથી. સાલગાંવકર પરિવાર ઉત્તર ગોવાના સાંતાક્રુઝના મતવિસ્તારમાં જ નવા ઘરે રહેવા ગયો હતો અને સરનામું બદલવા માટે ફોર્મ-8 ભર્યું હતું, પરંતુ તેમના ઈપીઆઈસીનો રેકોર્ડ નહીં મળતાં અરજી નકારી દેવાઈ હતી. ચૂંટણી પંચ તરફથી દલીલ કરવામાં આવી કે હાલની મતદાર યાદી અમલમાં છે અને મતવિસ્તાર બદલનારા મતદારો ફોર્મ-8 દ્વારા ઈપીઆઈસી ટ્રાન્સફર કરી શકે છે. 

જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું કે પ્રક્રિયાના નિયમો કરતાં પાત્ર મતદારને યાદીમાં સામેલ રાખવાનો મૂળ સિદ્ધાંત મહત્વનો છે. કોર્ટે કહ્યું કે જો પાત્ર મતદારને જ બહાર કરી દેવામાં આવે તો સમગ્ર એસઆઈઆર પ્રક્રિયાનો હેતુ શું રહે છે. આ મામલે સુનાવણી મંગળવારે ફરી ચાલુ રહેશે.