અપૂરતા વરસાદ અને 'અલ નીનો'ની અસરને કારણે રાજ્યભરમાં પીવાના પાણીના વપરાશમાં કાપ મુકાશે
મુંબઈઃ મહારાષ્ટ્રમાં અપૂરતા વરસાદ અને 'અલ નીનો'ની સંભવિત અસરોને પહોંચી વળવા રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. આગામી ૧૬ ઓક્ટોબરથી રાજ્યની તમામ શહેરી અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ (મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો)માં ઓછામાં ઓછો ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવશે.
અપૂરતા વરસાદને ધ્યાનમાં રાખીને, ૧૬ ઓક્ટોબરથી તમામ શહેરી અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓમાં ઓછામાં ઓછો ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવશે, એમ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું.
રાજ્યના જળ સંસાધન પ્રધાન ગિરીશ મહાજને જણાવ્યું હતું કે, 'અલ નીનો'ની અસર અને દુષ્કાળ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના વિભાગે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૭ સુધીના ઉપલબ્ધ જળ ભંડારનું ડેમ-વાર અને ઉપયોગ-વાર આયોજન કર્યું છે.
"પીવાના પાણીને પ્રાથમિકતા આપવામાં આવશે. તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને ૧૬ ઓક્ટોબરથી પાણીના પુરવઠામાં ૧૦ ટકાનો કાપ મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે," તેમ મહાજને એક નિવેદનમાં જણાવ્યું હતું. સરકારે સ્થાનિક સંસ્થાઓને પાણીનું લીકેજ અટકાવવા અને ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ને સંપૂર્ણ ક્ષમતા સાથે ચલાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવા પણ નિર્દેશ આપ્યો છે.
શુદ્ધ કરાયેલા ગંદા પાણીનો ઉપયોગ બાગકામ, બાંધકામ અને સફાઈ જેવી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. નિવેદન અનુસાર, ઉદ્યોગોને તેમના દ્વારા વપરાતા પાણીના ઓછામાં ઓછા ૩૦ ટકા પાણીનો પુનઃઉપયોગ અથવા રિસાઇકલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
મહાજને નાગરિકો અને સરકારી એજન્સીઓને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે જળ સંસાધન, મહેસૂલ, કૃષિ, ઉદ્યોગ અને શહેરી વિકાસ વિભાગો આ પરિસ્થિતિનો સામનો કરવા માટે પરસ્પર સંકલન સાધીને કામ કરી રહ્યા છે.
જળ સંસાધન વિભાગ ડેમ, નદીઓ અને નહેરોમાંથી પાણીના અનધિકૃત ઉપાડને રોકવા માટે મહેસૂલ અને પોલીસ તંત્ર સાથે મળીને કામ કરશે. સંયુક્ત ટીમો આવા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે અને ગેરકાયદે પંપ તથા સાધનો જપ્ત કરવામાં આવશે, તેમ વિભાગે જણાવ્યું હતું.