મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને તાજુ, પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન સમયસર મળે તે માટે શાળા શિક્ષણ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગને સંયુક્ત નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. હાલમાં ધોરણ એકથી 8 સુધીના વિદ્યાર્થીઓને મળતા પોષણ આહારનો લાભ ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને આપી શકાય કે નહીં તેની શક્યતા તપાસી પ્રસ્તાવ રજૂ કરવા પણ તેમણે કહ્યું છે.
સહ્યાદ્રી અતિથિગૃહમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ફડણવીસે જિલ્લા સ્તરે સ્થાનિક પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવાની સત્તા આપવા અને જરૂરી માર્ગદર્શિકા તૈયાર કરવા સૂચના આપી હતી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં શક્ય હોય ત્યાં સેન્ટ્રલ કિચનની વ્યવસ્થા અપનાવવા, જ્યારે દૂરના અને આદિવાસી વિસ્તારોમાં ગ્રામ પંચાયતો મારફતે ભોજનની વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવાયું છે.
મુખ્ય પ્રધાને સેન્ટ્રલ કિચન શરૂ કરતા પહેલાં તાજું ભોજન શાળાઓ સુધી સમયસર પહોંચી શકે છે કે નહીં તેની ચકાસણી કરવા પણ કહ્યું છે. જ્યાં શક્ય હોય ત્યાં ભોજન વિતરણની જવાબદારી સ્વસહાય જૂથોને આપવાની અને સ્થાનિક જરૂરિયાત મુજબ જિલ્લા કલેક્ટર, જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી તથા મહાનગરપાલિકા કમિશનરને નિર્ણય લેવાની સત્તા આપવાની સૂચના આપવામાં આવી છે.
ભોજનમાં સ્થાનિક રીતે ઉપલબ્ધ પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવા અને વિદ્યાર્થીઓની સ્થાનિક આહાર પદ્ધતિ તથા પસંદગી ધ્યાનમાં રાખીને બાજરી આધારિત વાનગીઓ સહિત પૌષ્ટિક વિકલ્પો ઉમેરવા પણ જણાવાયું છે.
મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલે શાળાના પોષણ આહારમાં મેંદાનો ઉપયોગ ન કરવાની સૂચના આપી હતી. મહિલા તથા બાળ વિકાસ પ્રધાન અદિતિ તટકરેએ પણ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ભોજનની વ્યવસ્થા નક્કી કરવાની સત્તા જિલ્લા સ્તરની પોષણ સમિતિને આપવાનું સૂચન કર્યું હતું.
શાળા શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્ય અને કેન્દ્ર સરકાર, સ્થાનિક સંસ્થાઓ તથા ખાનગી સહાયિત અને અંશતઃ સહાયિત સંસ્થાઓ દ્વારા સંચાલિત 85,206 પાત્ર શાળાઓમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે.
કેન્દ્રના ધોરણો મુજબ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને 450 કેલરી અને 12 ગ્રામ પ્રોટીન, જ્યારે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને 700 કેલરી અને 20 ગ્રામ પ્રોટીનવાળું ભોજન આપવામાં આવે છે.
યોજનામાં વિવિધતા લાવવા માટે પુલાવ, ખીચડી, ઉસળ અને દાળ-ભાત સહિત 12 વાનગીઓ નક્કી કરવામાં આવી છે. શાળા શિક્ષણ પ્રધાન દાદા ભુસેએ સેન્ટ્રલ કિચનની વ્યવસ્થા વધારવા અને ગ્રામ પંચાયતોને સ્થાનિક સ્તરે પૌષ્ટિક ભોજન આપવા માટે ભંડોળ આપવાનું સૂચન કર્યું હતું. તેમણે ભોજનમાં ચોખાનું પ્રમાણ ઘટાડીને અન્ય અનાજનું પ્રમાણ વધારવા કેન્દ્રને વિનંતી કરવાની પણ વાત કરી હતી.