Mon Oct 05 2026

Logo

2027 બનશે ‘મેટ્રો વર્ષ’: મુંબઈમાં 70 કિમી મેટ્રો અને એલિવેટેડ કોરિડોર પૂર્ણ કરવાનો મોટો લક્ષ્યાંક

2026-10-05 20:36:19
Author: Mumbai Samachar Team
2027 બનશે ‘મેટ્રો વર્ષ’: મુંબઈમાં 70 કિમી મેટ્રો અને એલિવેટેડ કોરિડોર પૂર્ણ કરવાનો મોટો લક્ષ્યાંક

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બોલાવી વોર રૂમની બેઠક, માળખાકીય પ્રોજેક્ટોની સમીક્ષા કરી ઝડપથી કામ પૂર્ણ કરવા આપ્યા આદેશ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 2027ને ‘મેટ્રો વર્ષ’ તરીકે જાહેર કરવાની દિશામાં કામ ઝડપી કરવા અધિકારીઓને સૂચના આપી છે. 2027 દરમિયાન ઓછામાં ઓછા 70 કિલોમીટર મેટ્રો અને એલિવેટેડ કોરિડોરનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે યોજાયેલી મુખ્ય પ્રધાન વોર રૂમની બેઠકમાં રાજ્યના વિવિધ માળખાકીય પ્રોજેક્ટોની સમીક્ષા દરમિયાન ફડણવીસે આ નિર્દેશો આપ્યા હતા.

ફડણવીસે ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થનારી મેટ્રો કોરિડોરની લંબાઈનો લક્ષ્યાંક પણ વધારવાના આદેશ આપ્યા છે. હાલ 36 કિલોમીટરનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે,  કામની ગતિ વધારીને 50 કિલોમીટર સુધી લઈ જવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમણે માળખાકીય પ્રોજેક્ટોમાં ઓછામાં ઓછું 50 ટકા કામ યાંત્રિક પદ્ધતિથી કરાવવા અને કુશળ કામદારોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના પણ આદેશ આપ્યા હતા.

મેટ્રો લાઈન 2બીના ડી.એન. નગરથી ચેમ્બુર વચ્ચે જુહૂ સર્કલ નજીક ગર્ડરનું કામ પૂર્ણ કરવા જરૂર પડે તો રવિવારે 12 કલાકનો વિશેષ રોડ બ્લોક રાખવાની યોજના બનાવવાની પણ મુખ્યપ્રધાને તૈયારી દાખવી હતી. કામની પ્રગતિનું મૂલ્યાંકન કર્યા બાદ આગામી રોડ બ્લોક અંગે નિર્ણય લેવા અને નાગરિકોને ઓછામાં ઓછી અગવડ પડે તેનું ધ્યાન રાખવાની પણ સૂચના ફડણવીસે આપી હતી.

ફડણવીસે  શિવડી-વરલી એલિવેટેડ રોડ કનેક્ટિવિટીનું કામ આગામી વર્ષ 31 મે પહેલાં પૂર્ણ કરીને તેને ટ્રાફિક માટે ખુલ્લું મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. નવા રસ્તાને હાલના રસ્તા સાથે જોડતી વખતે ટ્રાફિક જામ ન થાય તે માટે અગાઉથી આયોજન કરવા, વાકોલા જંક્શન પર ટ્રાફિકની સમસ્યાના તાત્કાલિક ટેક્નોલોજી આધારિત ઉકેલ લાવવા અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના ટ્રાફિક હોટસ્પોટની ઓળખ કરી જરૂરી પગલાં લેવા પણ જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાને મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ, મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય એજન્સીને ભૂગર્ભ નાગરિક સુવિધાઓનું નવીનતમ મેપિંગ કરવા કહ્યું હતું, જેથી રસ્તા અને માળખાકીય કામ દરમિયાન જરૂરી માહિતી સરળતાથી ઉપલબ્ધ રહે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં લાગતો સમય ઘટાડી શકાય. 

પ્રોજેક્ટ સ્થળોએ નાગરિકો અને કામદારોની સલામતી માટે પૂરતા સાઈનબોર્ડ અને બેરિકેડ લગાવવા તેમજ સુરક્ષા વ્યવસ્થા માટે અલગ કંપની ઊભી કરી ઓછા ખર્ચનું વ્યવસાયિક મોડેલ વિકસાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં શિવડી -વરલી એલિવેટેડ રોડ, મેટ્રો લાઇન 9 દહિસર પૂર્વથી મીરા-ભાયંદર, મેટ્રો લાઈન 5 થાણેથી ધામણકર નાકા અને કાશેલી ડેપો, મેટ્રો લાઈન 2બી ડી.એન. નગરથી ડાયમંડ ગાર્ડન-મંડાલે, મેટ્રો લાઈન 6 સ્વામીસમર્થ નગરથી વિક્રોલી અને છત્રપતિ સંભાજીનગર શહેર પાણી પુરવઠા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. 

મેટ્રો લાઈન 6 માટે જમીન સંપાદન અને કોર્ટ સંબંધિત કાર્યવાહી ઝડપી કરવા પણ સૂચના અપાઈ હતી. કોન્ટ્રાક્ટરોને નિર્ધારિત સમયમર્યાદા બાદ વિલંબ થાય તો બ્લેકલિસ્ટ કરવાની ચેતવણી સાથે, છત્રપતિ સંભાજીનગરમાં દરેક ઘર સુધી પાણીનું જોડાણ મળે અને તેના માટે રસ્તા ફરીથી ખોદવા ન પડે તે રીતે આયોજન કરવાનો પણ ફડણવીસે નિર્દેશ આપ્યો હતો.