(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામમાં આવેલી ફિલ્મ સિટીમાં સોમવારે સાંજે એક કામચલાઉ માળખું આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આ આગ બપોરે લગભગ ચાર વાગ્યે પ્રાઈમ ફોકસ સ્ટુડિયોની પાછળ આવેલા માળખામાં લાગી હતી, ત્યારબાદ મુંબઈ ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીઓને તાત્કાલિક કામે લગાડવામાં આવી હતી. એક કલાકથી વધુ સમયની જહેમત બાદ સાંજે ૪.૫૫ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. આગ મુખ્યત્વે તે કામચલાઉ માળખામાં રહેલા ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, કેબલ્સ, દરવાજા, લાકડાના પાટિયા, એસી યુનિટ, વાંસ અને પ્લાસ્ટિકની સામગ્રી, સાઉન્ડ સિસ્ટમ અને શૂટિંગની સામગ્રી સુધી સીમિત રહી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નહોતું.