મુંબઈ: એસઆઇઆર પ્રક્રિયામાં થયેલી કથિત અનિયમિતતાઓ અને નાગરિકોના મતાધિકારના હનન સામે કોંગ્રેસના નેતાઓએ નારાજગી વ્યક્ત કરીને સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. આ મુદ્દે કૉંગ્રેસના અગ્રણી નેતાઓ હર્ષવર્ધન સપકાળ, વિજય વડેટ્ટીવાર અને પૃથ્વીરાજ ચૌહાણે એસઆઇઆર (SIR) પ્રક્રિયામાં ગેરરીતિ અને નાગરિકોનો મતાધિકાર છીનવાયાના મુદ્દે કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચ સામે ઉચ્ચ સ્તરીય તપાસ અને મુખ્ય ચૂંટણી અધિકારીને હટાવવાની કરી માંગ.
કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે સવાલ ઉઠાવ્યો હતો કે, શું એસઆઇઆરની આખી પ્રક્રિયા ખોટી રીતે અમલમાં મુકવામાં આવી હતી? જો આ પ્રક્રિયામાં જ ગંભીર અનિયમિતતાઓ થઈ હોય, તો બિહાર સહિત દેશના અન્ય ભાગોમાં આ પ્રક્રિયા દરમિયાન શું ગડબડ થઈ, તેની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ શા માટે ન થવી જોઈએ?
મહારાષ્ટ્ર સહિત જે-જે રાજ્યોમાં એસઆઇઆર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તે સમગ્ર પ્રક્રિયાની પારદર્શક રીતે સમીક્ષા કરીને તપાસ કરવામાં આવે. કોઈપણ નાગરિકને તેના મતાધિકારથી વંચિત રાખવો એ લોકશાહી માટે અત્યંત ગંભીર બાબત છે.
તેથી જો તપાસમાં એવું સાબિત થાય કે નાગરિકોને તેમના બંધારણીય મતાધિકારથી જાણીજોઈને વંચિત રાખવામાં આવ્યા હતા, તો તેના માટે જવાબદાર અધિકારીઓ કે વ્યક્તિઓ સામે કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હર્ષવર્ધન સપકાળે કરી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી અંતિમ માંગ છે કે આ આખા મામલાની સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે અને દોષિત ઠરનારાઓ સામે કોઈ પણ વિલંબ વગર કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે એસઆઇઆર પ્રક્રિયા મુદ્દે ચૂંટણી પંચને નોટિસ આપી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. કોર્ટે પૂછ્યું છે કે શું આ નિર્ણયો બધા સભ્યોની સંમતિથી લેવાયા હતા કે એકતરફી? કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે સવાલ ઉઠાવ્યો હતો.
નાગરિકોનો મતાધિકાર છીનવવાનો હક કોણે આપ્યો? ૧૮ વર્ષના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કોઈનું નામ મતદાર યાદીમાંથી હટાવાય તો તેની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ. એસઆઇઆર ના નામે જો પાત્ર મતદારોના નામ કાપવામાં આવ્યા હોય, તો તેની જવાબદારી નક્કી કરી કડક પગલાં લેવા જોઈએ, વડેટ્ટીવારે ઉમેર્યુ હતું.
છેલ્લા કેટલાક સમયથી, ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે વિપક્ષ દ્વારા સતત પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટે પણ સંબંધિત નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. તેથી, આ મુદ્દો હવે ફક્ત રાજકીય આરોપો અને પ્રતિ-આરોપોનો વિષય નથી રહ્યો. દેશની લોકશાહી વ્યવસ્થા અને નાગરિકોના મતદાન અધિકારો સાથે સંબંધિત એક ગંભીર બંધારણીય મુદ્દો બની ગયો છે, વડેટ્ટીવારે જણાવ્યું હતું.
જ્ઞાનેશ કુમારએ કાયદાનો ભંગ કર્યો છે, એમને હટાવી દેવા જોઈએ: પૃથ્વીરાજ ચૌહાણ
મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારનું વર્તન ગેરકાનૂની છે અને તેમણે સંસદીય કાયદાનો ભંગ કર્યો છે એવો આરોપ કરી વરિષ્ઠ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણએ ચૂંટણી પંચમાંથી તેમની હકાલપટ્ટીની માગણી કરી છે.
ચવાણે જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી અધિકારીના કામકાજ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જ્ઞાનેશ કુમાર કોઈને ગેરકાનૂની રીતે ચૂંટણી જીતવામાં મદદ કરી રહ્યા છે. ચૂંટણી અધિકારીઓ સુખબીર સિંહ સંધું અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં એસઆઇઆર મુદ્દે 14 વખત વાંધા ઉઠાવ્યાની જાણકારી બહાર આવ્યા પછી કોંગ્રેસ ચૂંટણી પંચના અધિકારીની કડક આલોચના કરી રહ્યું છે.
જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં ચવાણે જણાવ્યું હતું કે બે ચૂંટણી અધિકારીઓના લેખિત વાંધા પછી મુખ્ય ચૂંટણી અધિકારીના કામકાજ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. બે કમિશ્નરોએ જ્ઞાનેશ કુમારની કથિત એકહથ્થુ કામગીરી સામે ફરિયાદ કરતા 14 પત્ર લખ્યા હતા.
ચૂંટણી પંચના નિર્ણયો સર્વાનુમતે અથવા બહુમતીથી લીધા હોવા જોઈએ એવું કાયદો કહે છે. એટલે બે ચૂંટણી અધિકારીના અભિપ્રાય પંચના અભિપ્રાય તરીકે માન્ય રહેવા જોઈએ. ભારતમાં લોકશાહીની જાળવણી માટે એમને તાબડતોબ દૂર કરવા જોઈએ. (પીટીઆઈ)