નવી દિલ્હી: બોલિવૂડના હાસ્ય કલાકાર અને અભિનેતા રાજપાલ યાદવ સાથે સંકળાયેલા ચેક બાઉન્સના કેસ અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં કોર્ટે તેમને ઠપકો આપ્યો હતો. તેમજ મંગળવાર સુધી રકમ ચુકવણી કરવા આદેશ આપવામાં આવ્યો છે. રાજપાલ યાદવ બાઉન્સ ચેકની ₹7.5 કરોડની રકમની ચુકવણી અંગે સતત વાયદા કરી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજપાલ યાદવની અરજી ફગાવી દેવાનો તેમનો પૂરો ઈરાદો હતો.પરંતુ કોર્ટ ફરિયાદીને તેમની મહેનતની કમાણી પરત અપાવવા માંગે છે.
જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ અભિનેતાના વકીલની આકરી ઝાટકણી કાઢી
આ સુનાવણી દરમિયાન કોર્ટ રૂમમાં જ્યારે રાજપાલ યાદવ વતી ₹50 લાખની કિંમતના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD)ની નકલ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી. ત્યારે જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ અભિનેતાના વકીલની આકરી ઝાટકણી કાઢી અને ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું, આ અહંકારને યોગ્ય રીતે કાબૂમાં લેવાની જરૂર છે. તમારે એ જાણવું જોઈએ કે ક્યારે બોલવું અને કોર્ટ સમક્ષ કેવું વર્તન કરવું જોઇએ.
આદેશોની અવગણના જરા પણ નહિ ચલાવાય
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે અદાલતના આદેશોની અવગણના ચલાવી લેવામાં નહીં આવે. બેન્ચે જણાવ્યું હતું કે તેમનો ઈરાદો અરજીને તુરંત ફગાવી દેવાનો હતો. પરંતુ ફરિયાદીને મળવાપાત્ર ₹7.5 કરોડની વસૂલાત સુનિશ્ચિત કરવા માટે હાલ પૂરતું કોઈ કઠોર પગલું ભરવાનું ટાળવામાં આવ્યું છે.