Mon Oct 05 2026

Logo

ઈક્વિટી માર્કેટમાં બાઉન્સબૅક, સેન્સેક્સે 473 પૉઈન્ટના સુધારા સાથે ફરી 72,000ની સપાટી અંકે કરી

2026-10-05 19:49:35
Author: Ramesh Gohil
ઈક્વિટી માર્કેટમાં બાઉન્સબૅક, સેન્સેક્સે 473 પૉઈન્ટના સુધારા સાથે ફરી 72,000ની સપાટી અંકે કરી

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધુ રૂ. 4699.14 કરોડની ચોખ્ખી વેચવાલી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગત ગુરુવારે મોટી માત્રામાં વેચવાલી જોવા મળ્યા બાદ આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ તેલની પુરવઠાસ્થિતિમાં સુધારો થવાના આશાવાદને ધ્યાનમાં લેતા રોકાણકારોની નીચા મથાળેથી લેવાલી નીકળતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સે 472.77 પૉઈન્ટના સુધારા સાથે ફરી 72,000ની સપાટી અંકે કરી હતી, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીએ 133.80 પૉઈન્ટના સુધારા સાથે 22,500ની સપાટી પુનઃ અંકે કરી હતી. જોકે, ગત ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં 9484.22 કરોડની ચોખ્ખી વેચવાલી રહ્યા બાદ આજે તેઓની રૂ. 15,674.61 કરોડની ખરીદી સામે રૂ. 20,373.75 કરોડની વેચવાલી કરતાં વધુ રૂ. 4699.14 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હોવાથી બૅન્ચમાર્કમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 20,492.93 કરોડની ખરીદી સામે રૂ. 15,311.31 કરોડની વેચવાલી રહેતાં રૂ. 5181.62 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત ગુરુવારના 71,909.70ના બંધ સામે સુધારાના અન્ડરટોને 72,340.95ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 71,840.18 અને ઉપરમાં 72,631.93ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 0.66 ટકા અથવા તો 472.77 પૉઈન્ટના સુધારા સાથે 72,382.47ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત ગુરુવારના 22,421.95ના બંધ સામે વધીને 22,532.40ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 22,397.10 અને ઉપરમાં 22,621.80 સુધી વધીને અંતે આગલા બંધ સામે 0.60 ટકા અથવા તો 133.80 પૉઈન્ટ વધીને 22,555.75ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે બજાર ગાંધી જયંતી નિમિત્તે બંધ રહી હતી. 

એકંદરે આજે વિશ્વ બજારમાં ક્રૂડ તેલનાં પુરવઠા સંબંધી ચિંતા થોડી હળવી થઈ હોવાના નિર્દેશો સાથે બજારમાં મજબૂત બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને ક્રૂડ તેલના ભાવ ઘટીને બેરલદીઠ 102 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી ફુગાવામાં વધારો થવાની ચિંતામાંથી રાહત મળતા સુધારો જોવા મળ્યો હતો. વધુમાં ગત શુક્રવારે અમેરિકાના રોજગારીનાં નોન ફાર્મ પૅ રૉલ ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 27-28 ઑક્ટોબરની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડતાં બજારના સુધારાને ટેકો મળ્યો હોવાનું રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું. 

તે જ પ્રમાણે મંતવ્ય આપતા જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે અમેરિકાનાં રોજગારીના ડેટા અપેક્ષા કરતાં નબળા આવવાની સાથે ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી જોવા મળેલા ધીમા ઘટાડાને કારણે બજારમાં સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, હવે રોકાણકારોની નજર આજથી શરૂ થયેલી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની નાણાનીતિની સમીક્ષાની ત્રણ દિવસીય બેઠક પર સ્થિર થઈ છે. 

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પાતળી થવાને કારણે ઊભરતી બજારોમાં વિદેશી રોકાણકારોની વેચવાલીનું દબાણ હળવું થવાના આશાવાદને કારણે આજે બજારના સુધારાને ટેકો મળ્યો હોવાનું ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થ ટૅક કંપની એનરિચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું. 

આજે બીએસઈ ખાતે કુલ 4760 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 2052 શૅરના ભાવ વધીને, 2448 શૅરના ભાવ ઘટીને અને 260 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 144 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 207 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 20 શૅરના ભાવ વધીને અને 10 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 4.49 ટકાનો સુધારો આઈટીસીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈટર્નલમાં 2.50 ટકાનો, ભારતી એરટેલમાં 2.38 ટકાનો, બજાજ ફાઈનાન્સમાં 2.28 ટકાનો, અદાણી પોર્ટસમાં 2.13 ટકાનો અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 2.11 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 3.69 ટકાનો ઘટાડો એચસીએલ ટૅક્નોલૉજીસમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એચડીએફસી બૅન્કમાં 1.99 ટકાનો, સન ફાર્મામાં 1.55 ટકાનો, ઈન્ફોસિસમાં 1.50 ટકાનો, એશિયન પેઈન્ટસમાં 1.43 ટકાનો અને ટ્રેન્ટમાં 0.86 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

વધુમાં આજે બીએસઈનાં સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.52 ટકાનો અને મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.44 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં 2.10 ટકાનો, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સમાં 1.79 ટકાનો, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સમાં 1.67 ટકાનો, એફએમસીજી ઈન્ડેક્સમાં 1.45 ટકાનો, સર્વિસીસ ઈન્ડેક્સમાં 1.05 ટકાનો અને ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 0.82 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે હોસ્પિટલ, હૅલ્થકૅર, આઈટી અને ઈન્સ્યોરન્સ સેક્ટરનાં ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હતી. 

આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડ તેલના ભાવ 0.52 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 101.73 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન મિશ્ર વલણ જોવા મળી રહ્યું હોવાના અહેવાલ હતા.