મુંબઈ: બોલીવુડના જાણીતા ગાયક અને સંગીતકાર અરિજિત સિંહે પોતાના ચાહકોને મોટી ખુશખબરી આપી છે. આ વર્ષે જાન્યુઆરીમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ હવે અરિજિત સિંહે હવે ભારતીય પ્રવાસની જાહેરાત કરી છે. તેઓ 2027માં દેશના 9 શહેરમાં લાઈવ કોન્સર્ટ કરશે. આ પ્રવાસની શરૂઆત નવમી જાન્યુઆરીએ અમદાવાદથી થશે અને 15 મેના હૈદરાબાદમાં અંતિમ કાર્યક્રમ યોજાશે.
અરિજિત સિંહના પ્રવાસમાં અમદાવાદ બાદ 23 જાન્યુઆરીએ ચંડીગઢ, 7 ફેબ્રુઆરીએ જયપુર અને 20 ફેબ્રુઆરીએ મુંબઈમાં કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ 13 માર્ચે બેંગલોર, 27 માર્ચે દિલ્હી, 10 એપ્રિલે પુણે, 1 મેના ઈન્દોર અને અંતે 15 મેના હૈદરાબાદમાં તેઓ લાઈવ પરફોર્મ કરશે. આ જાહેરાત બાદ તેમના ચાહકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પ્રવાસની જાહેરાત અરિજિતના ઈન્સ્ટાગ્રામ ખાતા પર કરવામાં આવી છે. જાહેરાતમાં જણાવાયું છે કે જે અવાજ પ્રેમકથાઓ, દિલ તૂટવાની પળો, મોડી રાતની ડ્રાઈવ અને જીવનની અનેક યાદો સાથે ચાહકોની સાથે રહ્યો છે, તેને હવે લાઈવ સાંભળવાની તક મળશે. એટલે ચાહકો માટે અરિજિતના લોકપ્રિય ગીતોનો લાઈવ અનુભવ કરવાનો આ ખાસ મોકો બની રહેશે.
પ્રવાસની ટિકિટ માટે પ્રી-સેલ 11 ઓક્ટોબર 2026થી શરૂ થશે, જ્યારે સામાન્ય ટિકિટ વેચાણ 13 ઓક્ટોબરથી શરૂ થશે. અરિજિતના લાઈવ કાર્યક્રમમાં સામેલ થવા ઇચ્છતા ચાહકો માટે ટિકિટ બુકિંગની શરૂઆત પણ ટૂંક સમયમાં થવાની છે. ખાસ કરીને મુંબઈના ચાહકો માટે 20 ફેબ્રુઆરીની તારીખ મહત્વની બની રહેશે.
પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી હોવા છતાં અરિજિતે અગાઉ સાઈન કરેલા પ્રોજેક્ટ્સ માટે ગાયેલા ગીતો હજુ રિલીઝ થઈ રહ્યા છે. તેઓ હાલમાં નવા ફિલ્મ પ્રોજેક્ટ માટે પ્લેબેક સિંગિંગનું કામ સાઈન કરી રહ્યા નથી. તેમનું તાજેતરમાં રિલીઝ થયેલું ગીત ‘પુરાને દિન’ ફિલ્મ ‘પહલા પ્યાર દૂસરી બાર’ માટે છે.
આ ઉપરાંત, શાહરુખ ખાનની 24 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘કિંગ’માં પણ અરિજિતનું ગીત હોવાની માહિતી સામે આવી છે. એટલે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ બાદ પણ અરિજિતની ગાયકીનો સિલસિલો અગાઉ સાઈન કરાયેલા પ્રોજેક્ટ્સ અને હવે જાહેર થયેલા લાઈવ પ્રવાસ સાથે ચાહકો સુધી પહોંચતો રહેશે. 2027નો આ 9 શહેરોનો પ્રવાસ તેમના ચાહકો માટે ખાસ આકર્ષણ બનવાની શક્યતા છે.