શારજાહઃ અહીં રમાતી ટી-20ની વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL) ટૂર્નામેન્ટમાં ડ્રામેબાજ પાકિસ્તાને નવું નાટક કર્યું છે અને ખોટી રીતે ભારતને જવાબદાર ગણાવીને આ ટૂર્નામેન્ટમાંથી નીકળી ગયું છે. પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટીમમાં શાહિદ આફ્રિદી, સોહેલ તનવીર, મોહમ્મદ હાફીઝ, આસિફ અલી, વહાબ રિયાઝ, કામરાન અકમલ, મોહમ્મદ આમિર વગેરે ખેલાડીઓનો સમાવેશ હતો.
2025માં પહલગામમાં હિન્દુ પર્યટકો પરના આતંકવાદી હુમલાને પગલે ભારતે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના ક્રિકેટરો સામે રમવાની ના પાડી હતી અને પાકિસ્તાન સામેની લીગ મૅચ તેમ જ સેમિ ફાઇનલ જતી કરી હતી. ભારતે દૃઢપણે એ પગલું ભરીને દુનિયાભરમાં પાકિસ્તાન અને એના ક્રિકેટ બોર્ડને ઉઘાડું પાડ્યું એનાથી સ્તબ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ વખતની ટૂર્નામેન્ટની શરૂઆત નાટક સાથે કરી. ટેક્નિકલ કારણસર પાકિસ્તાનની બાંગ્લાદેશ સામેની પ્રથમ મૅચ ન રમાઈ, પણ ત્યાર બાદ પીસીબીએ પોતાના ખેલાડીઓને ડબ્લ્યૂસીએલની આ વખતની ત્રીજી સીઝનમાં રમવા નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપ્યા પછી માગણી કરી કે ભારતે ગયા વર્ષે પાકિસ્તાન ટીમનો જે બહિષ્કાર કર્યો હતો એ બદલ ભારતીય ખેલાડીઓ માફી માગે તો જ પાકિસ્તાનની ટીમ આ વખતે રમવા તૈયાર છે.
જોકે ડબ્લ્યૂસીએલના મૅનેજમેન્ટે પીસીબીની માગણી ફગાવી દીધી એટલે પીસીબીએ પોતાની ટીમની આ ટૂર્નામેન્ટમાંથી બાદબાકી કરી નાખવાની જાણ આયોજકોને કરી દીધી હતી.
ગયા વર્ષની ડબ્લ્યૂસીએલમાં ભારતે સેમિ ફાઇનલ જતી કરી દેતાં પાકિસ્તાનને સીધો ફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો અને ફાઇનલમાં પાકિસ્તાનને સાઉથ આફ્રિકાએ હરાવી દીધું હતું.

આ વખતે ભારતનો પર્ફોર્મન્સ કેવો છે?
વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (ડબ્લ્યૂસીએલ)ની ત્રીજી સીઝન ચાલી રહી છે. ઇન્ડિયા ચૅમ્પિયન્સે પ્રથમ મૅચમાં કૅપ્ટન યુવરાજ સિંહ (71 રન, 44 બૉલ, છ છગ્ગા, પાંચ ચોગ્ગા)ના મોટા યોગદાનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 196 રન બનાવ્યા હતા. ઉસમાન ખ્વાજાની કૅપ્ટન્સીમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સની ટીમ 150 રનમાં આઉટ થઈ જતાં ભારતીય ટીમનો 46 રનથી વિજય થયો હતો. ટીમના બીજા બૅટ્સમેનોમાં નમન ઓઝા, અંબાતી રાયુડુ, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, વગેરેનો સમાવેશ છે.
ધવલ કુલકર્ણીએ ચાર, મોહિત શર્માએ ત્રણ, પીયૂષ ચાવલાએ બે તથા હરભજન સિંહે એક વિકેટ લીધી હતી. આ મૅચ બાદ એબી ડિવિલિયર્સના સુકાનમાં સાઉથ આફ્રિકા ચૅમ્પિયન્સે ક્રિસ ગેઇલના વેસ્ટ ઇન્ડિઝ ચૅમ્પિયન્સને અને રવિ બોપારાના ઇંગ્લૅન્ડ ચૅમ્પિયન્સે યુવરાજના ઇન્ડિયા ચૅમ્પિયન્સને હરાવ્યું હતું. પાકિસ્તાને પોતાની ટીમ પાછી ખેંચી લેતાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સ સામેની સોમવારની એની મૅચ રદ જાહેર કરાઈ હતી. હવે ઇન્ડિયા ચૅમ્પિયન્સની મૅચ છેક શનિવારે સાઉથ આફ્રિકા ચૅમ્પિયન્સ સામે રમાશે.