Tue Oct 06 2026

Logo

દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોના લગ્ન માટે સમગ્ર મહારાષ્ટ્રમાં લાગુ થશે 'જી. શ્રીકાંત પેટર્ન'

2026-10-05 20:18:03
Author: Mumbai Samachar Team
દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોના લગ્ન માટે સમગ્ર મહારાષ્ટ્રમાં લાગુ થશે 'જી. શ્રીકાંત પેટર્ન'

મુંબઈ/અકોલા: રાજ્યભરના અનેક વિસ્તારોમાં હવે દુષ્કાળની ભયાનક પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વણસવાની ભીતિ છે. આવી સ્થિતિમાં રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પુત્ર-પુત્રીઓના લગ્ન અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરમાં 'જી. શ્રીકાંત પેટર્ન' લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 

છત્રપતિ સંભાજીનગરના વિભાગીય કમિશનર જી. શ્રીકાંતની પહેલથી મહેસૂલ વિભાગ રાજ્યભરમાં સામૂહિક વિવાહ મેળા યોજશે તેવી માહિતી મળી છે.  ૬ ઓક્ટોબરે કેબિનેટ બેઠક પહેલા જી. શ્રીકાંતના એક્શન પ્લાનની પ્રસ્તુતિ થવાની શક્યતા છે.

જી. શ્રીકાંત છત્રપતિ સંભાજીનગરના વિભાગીય કમિશનર છે. જી. શ્રીકાંતે મહેસૂલ વિભાગના માધ્યમથી ખેડૂતોના પુત્ર-પુત્રીઓના સામૂહિક વિવાહ સમારોહ યોજવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કોઈ પણ સરકારી મદદ લીધા વિના લોકભાગીદારીથી, સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓની મદદથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતોના બાળકોના લગ્ન સમારોહ યોજવાનો જી. શ્રીકાંતનો વિચાર છે. છત્રપતિ સંભાજીનગર વિભાગમાં સફળ થયેલા આ પ્રયોગને હવે સમગ્ર મહારાષ્ટ્રમાં લાગુ કરવાનો વિચાર ચાલી રહ્યો છે. 

મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ પણ આ અનુકરણીય ઉપક્રમના મુક્ત મને વખાણ કર્યા હતા. આ ઉપરાંત દુષ્કાળની સ્થિતિને પહોંચી વળવા માટે દરેક ગામ માટે અધિકારીઓ અને કર્મચારીઓની એક ખાસ સમિતિ બનાવવામાં આવશે, જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓ ગામડાંઓને દત્તક લેશે. 

આ ટીમ ખેડૂતોની સમસ્યાઓને પ્રત્યક્ષ જાણીને તેમને સરકારી યોજનાઓનો લાભ અપાવશે. તમામ વિભાગોના પરસ્પર સમન્વયથી મુશ્કેલીઓનો ઉકેલ લાવીને નિરાશ થયેલા ખેડૂતોમાં નવી આશા અને આત્મવિશ્વાસ જગાડવા પર મુખ્ય ભાર મૂકવામાં આવશે.