વિરોધ પ્રદર્શન કરનારી મહિલાઓએ આરોપીને ફાંસીએ ચડાવવાની માગણી કરી
લાતુર: શાળામાં ભણતી બાળકીને કૅબિનમાં બોલાવીને તેની સાથે કથિત શરમજનક કૃત્ય કરવા બદલ લાતુરની શાળાના સ્થાપક-કમ-પ્રિન્સિપાલ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ઘટનાના વિરોધમાં સોમવારે લાતુરમાં દેખાવ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં જોડાયેલી મહિલાઓએ આરોપીને ફાંસીએ ચડાવવાની માગણી કરી હતી.
લાતુરની ખાનગી ઈંગ્લિશ શાળા આદર્શ એજ્યુકેશનલ કૅમ્પસના સ્થાપક અને પ્રિન્સિપાલ બશીર શેખ વિરુદ્ધ સોમવારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. શેખ વિરુદ્ધ રવિવારની રાતે એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
એફઆઈઆર અનુસાર ઘટના 20 સપ્ટેમ્બરે બની હતી. આરોપીએ બાળકીને સ્કૂલ કૅમ્પસમાં આવેલી કૅબિનમાં બોલાવી હતી અને તેની સાથે શરમજનક કૃત્ય કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. આરોપીને ફાંસીએ ચડાવી દેવાની માગણી વિરોધ કરનારાઓએ કરી હતી. તેમના કહેવા મુજબ આવું કૃત્ય કરીને આરોપીએ શિક્ષણના વ્યવસાયને અપમાનિત કર્યો છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેના સંબંધોના વિશ્ર્વાસનો ભંગ કર્યો છે.
દરમિયાન વાસવડી-બર્શી રોડ વિસ્તારમાં આવેલી સ્કૂલની શાખાની બારીનો કાચ અજાણ્યા શખસે તોડી શાળાના નામના બૉર્ડ પર સાહી ફેંકી હતી. એમઆઈડીસી પોલીસની અલગ અલગ ટીમ તપાસમાં લાગી હોઈ શેખની શોધ ચલાવવામાં આવી રહી છે. (પીટીઆઈ)