Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં કયા PSI એ નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત ? જાણો ક્યાં બજાવે છે ફરજ

2026-10-05 11:47:00
Author: Mayur Patel
અમદાવાદમાં કયા PSI એ નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત ? જાણો ક્યાં બજાવે છે ફરજ

અમદાવાદઃ અમદાવાદમાં એક  PSI એ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી હતી.  અકસ્માત સર્જનાર PSI M ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હોવાનું સામે આવ્યું હતું.

કોણ છે PSI અને ક્યાં સર્જ્યો અકસ્માત

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની જેમના શિરે જવાબદારી છે, તેવા જ એક પોલીસ અધિકારીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. અમદાવાદ શહેરના 'M' ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ત્રાગડ રબારી વાસના નાકે સર્જ્યો અકસ્માત

મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઘટના અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલા રબારી વાસના નાકા પાસે બની હતી. PSI ભરત પંડ્યા પોતાની કાર લઈને અહીંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમણે વાહન પરનો કાબૂ ગુમાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

નશાની હાલતમાં હોવાની શંકા સાથે વીડિયો વાયરલ

અકસ્માત બાદ સ્થાનિક લોકો કાર પાસે પહોંચ્યા ત્યારે કારચાલક પોતે પોલીસ અધિકારી હોવાનું સામે આવ્યું હતું. ઉપસ્થિત લોકોના જણાવ્યા અનુસાર, PSI ભરત પંડ્યા ભાન ભૂલેલી સ્થિતિમાં હતા અને લથડિયાં ખાઈ રહ્યા હતા. લોકોએ તેમના મોંમાંથી દારૂની વાસ આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેઓ નશાની હાલતમાં હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરી હતી. સ્થળ પર હાજર કેટલાક નાગરિકોએ તેમના આ લથડિયાં ખાતા હોવાના અને અસહજ વર્તનના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા, જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોએ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં PSI ભરત પંડ્યા વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પીએસઆઈનો કબજો મેળવી તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેઓ ખરેખર નશાની હાલતમાં હતા કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકે.

ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવતી ખાખી વર્દી જ જ્યારે દારૂના નશામાં અકસ્માત સર્જતી પકડાય ત્યારે પ્રજામાં ભારે રોષ ફેલાવો સ્વાભાવિક છે. હાલ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાતાકીય તપાસ અને કડક પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.