Mon Oct 05 2026

Logo

સિંહ-દીપડાના વધતા આતંક સામે પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા લાલઘૂમ, જાણો શું કહ્યું

2026-10-05 14:31:00
Author: Mumbai Samachar Team
સિંહ-દીપડાના વધતા આતંક સામે પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા લાલઘૂમ, જાણો શું કહ્યું

જૂનાગઢઃ ગુજરાતના ગ્રામીણ અને ગીર સરહદી વિસ્તારોમાં સિંહ અને દીપડા જેવા હિંસક વન્યજીવોના વધી રહેલા માનવ હુમલાઓને લઈને રાજ્ય સરકારના પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળાએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે સરકારની વન્યજીવ સંરક્ષણ નીતિ સામે આકરા સવાલો ઉઠાવતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સિંહોને આ જ રીતે આડેધડ સંરક્ષણ અને આરક્ષણ અપાતું રહેશે, તો તે ભવિષ્યમાં સમગ્ર માનવજાત માટે અત્યંત ખતરનાક સાબિત થશે.

પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળાએ ચિંતાજનક આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષના ગાળામાં જ સિંહ અને દીપડાના જીવલેણ હુમલામાં 50 થી 60 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સ્થાનિક ગ્રામીણ પ્રજા અને ખેડૂતોમાં સતત ભયનો માહોલ છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, “શું સરકાર માટે દેશના નાગરિકોના જીવ કરતાં જંગલી પ્રાણીઓનું મહત્વ વધારે છે?” સરકારમાં મનુષ્યો કરતાં વન્યજીવોને વધુ પ્રાધાન્ય અપાતું હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

સિંહોના સ્વભાવમાં ધરખમ બદલાવ: રેવન્યુ વિસ્તારમાં હુમલા

તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સિંહોના મૂળભૂત સ્વભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વન્યજીવો હવે માત્ર જંગલ પૂરતા સીમિત ન રહેતાં જંગલ છોડીને રેવન્યુ (માનવ વસાહત અને ખેતી) વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે અને સામાન્ય નાગરિકો પર ઘાતક હુમલા કરી રહ્યા છે. આ સ્થિતિ કાબૂ બહાર જાય તે પહેલાં યોગ્ય પગલાં લેવા અનિવાર્ય છે.

એક કરોડનું વળતર ચૂકવવા અને નીતિ બદલવા માંગ

પૂર્વ મંત્રીએ સરકાર સમક્ષ કડક માંગ મૂકતાં જણાવ્યું છે કે વન્યજીવોના હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ વ્યક્તિના પરિવારને તાત્કાલિક ધોરણે રૂ. એક કરોડનું આર્થિક વળતર ચૂકવવામાં આવે. આ સાથે જ તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને અનુરોધ કર્યો છે કે સિંહ અને દીપડાને આપવામાં આવતા આરક્ષણ તેમજ સંરક્ષણના નિયમો અંગે તાત્કાલિક ગંભીરતાપૂર્વક પુનર્વિચારણા કરવામાં આવે.