Tue Oct 06 2026

Logo

કેપ્ટન સ્મિત મચ્છરને અશોક ચક્ર આપવાની માંગ! બહાદુરી બદલ ગુજરાત સરકાર અને સાંસદે આપ્યા લાખોના પુરસ્કાર

2026-10-05 15:47:39
Author: Darshana Visaria
કેપ્ટન સ્મિત મચ્છરને અશોક ચક્ર આપવાની માંગ! બહાદુરી બદલ ગુજરાત સરકાર અને સાંસદે આપ્યા લાખોના પુરસ્કાર

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં 174 મુસાફરો અને ક્રૂ સભ્યોનો જીવ બચાવીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનારા મૂળ ગુજરાતના ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની દેશભરમાંથી સરાહના કરવામાં આવી રહી છે. મુશ્કેલ અને જીવલેણ પરિસ્થિતિમાં પણ સંયમ અને કર્તવ્યનિષ્ઠા જાળવી રાખનારા સ્મિત પર પ્રેમ અને સન્માનની સાથે-સાથે કરોડો રૂપિયાના રોકડ પુરસ્કારોનો વરસાદ થઈ રહ્યો છે. કોર્પોરેટ દિગ્ગજ મેનકાઇન્ડ ફાર્માથી લઈને ગુજરાત સરકાર અને રાજ્યસભા સાંસદ દ્વારા કેપ્ટન સ્મિત મચ્છર માટે રોકડ ઈનામો અને સર્વોચ્ચ સન્માનની જાહેરાત કરવામાં આવી છે.

કેપ્ટન સ્મિત મચ્છરને સૌથી મોટો રોકડ પુરસ્કાર મેનકાઇન્ડ ફાર્મા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. કંપનીએ તેમના અને તેમના પરિવાર માટે રૂપિયા એક કરોડના ઈનામની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સ્મિતે પોતાના જીવની પરવા કર્યા વિના મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે, જે સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે.

વાત કરીએ કેપ્ટન સ્મિત મચ્છરની તો કેપ્ટન સ્મિત મૂળ ગુજરાતના વતની હોવાથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમની વીરતાને બિરદાવતાં ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’ અને રૂપિયા 25 લાખનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહેલી ઓક્ટોબર આ ગૌરવપૂર્ણ નિર્ણયની માહિતી આપી હતી.

સાંસદ વિક્રમજીત સિંહ સાહની તરફથી રૂપિયા 25 લાખ:
રાજ્યસભાના સાંસદ અને સન ફાઉન્ડેશનના વડા વિક્રમજીત સિંહ સાહનીએ કેપ્ટન સ્મિત માટે રૂપિયા 25 લાખના 'સ્મિત મચ્છાર શૌર્ય પુરસ્કાર'ની ઘોષણા કરવામાં આવી છે. સાંસદ વિક્રમજીત સિંહ સાહની તેમજ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ અને અન્ય લોક પ્રતિનિધિઓએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ કેપ્ટન સ્મિત મચ્છારને દેશના સર્વોચ્ચ શાંતિકાળ વીરતા સન્માન 'અશોક ચક્ર' કે પછી 'રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર' આપવા માંગણી કરી છે. ભારતીય પાયલટ સંઘે પણ સંરક્ષણ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને કેપ્ટન સ્મિતના ઐતિહાસિક સાહસને રાષ્ટ્રીય સન્માન આપવા ભલામણ કરવામાં આવી છે.

ફ્લાઇટ FZ1073માં શું બની હતી તે ભયાનક ઘટના?
30મી સપ્ટેમ્બરના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ (ઈઝરાયલ) જઈ રહી હતી. આ ફ્લાઈટમાં 174 મુસાફરો સવાર હતા. ઉડાન દરમિયાન કોકપિટની અંદર કો-પાયલટે અચાનક કેપ્ટન સ્મિત મચ્છાર પર જીવલેણ હુમલો કર્યો હતો. 

ગંભીર રીતે લોહીલુહાણ અને ઈજાગ્રસ્ટ થયા હોવા છતાં સ્મિતે હિંમત હારી નહીં અને વિમાન પરનો કંટ્રોલ ગુમાવ્યો નહોતો. તેમણે અદભુત સમયસૂચકતા દર્શાવી વિમાનને સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ તરફ ડાયવર્ટને ઈમરજન્સી સેફ લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનાની હાલ સઘન આંતરરાષ્ટ્રીય તપાસ ચાલી રહી છે.

કેપ્ટન સ્મિતની હાલની સ્થિતિ:
કેપ્ટન સ્મિત મચ્છાર હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર દેશ તેમની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યો છે.