Tue Oct 06 2026

Logo

આવતા વર્ષના અંત સુધીમાં બીજો સાબરમતી રિવરફ્રન્ટ તૈયાર થઈ જશે, 82 ટકા કામ પૂરું

2026-10-05 16:22:21
Author: Pooja Shah
આવતા વર્ષના અંત સુધીમાં બીજો સાબરમતી રિવરફ્રન્ટ તૈયાર થઈ જશે, 82 ટકા કામ પૂરું

અમદાવાદઃ શહેરમાં સાબરમતીના કિનારે બનાવવામાં આવેલા રિવરફ્રન્ટ પર અમદાવાદ અને બહારના લોકો મોટી સંખ્યામાં આવે છે. અમદાવાદની મુલાકાત લેતા તમામ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બની ગયેલા રિવરફ્રન્ટના બીજા તબક્કાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 82 ટકા કામ પૂરું થઈ ગયુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના બીજા તબક્કાનું કામ આગળ વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં કુલ કામગીરીના ૮૨% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. 

રૂ. 1,285 કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરવામાં આવેલો આ 'ફેઝ-2' પ્રોજેક્ટ સાબરમતી નદીના બંને કિનારા પર ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધીના 11 કિમીના વિસ્તારને આવરી લે છે. રૂ. 399.39 કરોડના ખર્ચે થનારા રિટેનિંગ વોલ અને માળખાગત સુવિધાઓના કામો પૈકી 89.50% કામ પૂર્ણ થઈ ગયું છે. સમગ્ર 'ફેઝ-2' પ્રોજેક્ટ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

ઈન્દિરા બ્રિજથી નર્મદા મુખ્ય નહેર સુધીના ત્રીજા તબક્કા નું કામ પણ અંદાજે ₹1,000 કરોડના ખર્ચે શરૂ થઈ ગયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાનું 17% કામ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે.આ તબક્કામાં ૧૦ વ્યુઈંગ પ્લાઝા, બંને કિનારા પર ગ્રીન ઝોન અને લોઅર પ્રોમેનેડ લેવલ પર ૨૦,૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર સામેલ હશે. આ પ્રોજેક્ટ ૨૦૨૮-૨૯માં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ ત્રણેય તબક્કા સાથે, સાબરમતી રિવરફ્રન્ટને વાસણા બેરેજથી ઈન્દિરા બ્રિજ સુધી ૩૪ કિલોમીટર સુધી લંબાવવામાં આવશે. જેનાથી પરિવહન, મનોરંજન અને જાહેર સ્થળો માટે નદી કિનારે એક લાંબો કોરિડોર શહેરીજનોને અને પર્યટકોને મળશે.