Mon Oct 05 2026

Logo

અંજારમાં દારૂ ભરેલી કાર નાળામાં ખાબકી, ભચાઉના નામચીન બૂટલેગરનું મોત

2026-10-05 18:01:24
Author: Chandrakant Kanoja
અંજારમાં દારૂ ભરેલી કાર નાળામાં ખાબકી, ભચાઉના નામચીન બૂટલેગરનું મોત

Chat GPT Image


ભુજ: અંજાર પંથકમાંથી વિદેશી શરાબનો મોટો જથ્થો ભરીનેપસાર થઈ રહેલી કારનો પોલીસથી પીછો છોડાવવા જતાં નાળામાં ખાબકી હતી. જેમાં ભચાઉ પંથકના લિસ્ટેડ બૂટલેગરનું ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટનાના પગલે અંજાર પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી.

પોલીસ કર્મચારીઓ ખાનગી વાહનમાં સતાપર ફાટક પહોંચ્યા હતા

આ ઘટના સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર, અંજાર પોલીસની ટીમ ગત રાત્રિના નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાત્રે સાડા  દસ વાગ્યાના અરસામાં બાતમી મળી હતી કે સતાપર ફાટક પાસેથી વિદેશી દારૂ ભરેલી એક સફેદ રંગની  કાર પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસ કર્મચારીઓ ખાનગી વાહનમાં સતાપર ફાટક પહોંચ્યા હતા. આ દરમિયાન શંકાસ્પદ કાર ત્યાં આવી પહોંચી હતી, પરંતુ રેલવે ફાટક બંધ હોવાના કારણે કારચાલકે ગાડી તાબડતોબ સતાપર ગામ તરફ વાળી લીધી હતી.

પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો

તેમજ પોલીસે તુરંત પીછો કર્યો હતો, પરંતુ કારચાલક અંધારામાં પૂરઝડપે વાહન હંકારીને નજર ચૂકવી નાસી છૂટ્યો હતો. પોલીસ ટીમ તેની શોધખોળમાં હતી તેવામાં લાખાપર ગામના ગ્રામજનો તરફથી માહિતી સાંપડી હતી કે, ગામની શ્રીકૃષ્ણ ગૌશાળા નજીક એક કાર  નાળામાં ખાબકી ગઈ છે.

પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાળામાં જીજે-૦૧ ડબલ્યુસી-૬૯૭૨ નંબરની સફેદ કાર ક્ષતિગ્રસ્ત હાલતમાં પડેલી જોવા મળી હતી.

આ કારનો આગળનો ભાગ કુરચો બોલી ગયો હતો, જ્યારે પાછળની સીટમાં દારૂની પેટીઓ અને તૂટેલી બાટલીઓ વેરવિખેર પડી હતી. કારમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં પડેલા ચાલકને ગ્રામજનોની મદદથી બહાર કાઢી તાબડતોબ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.

રૂપિયા ૩૧,૦૦૦ની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી

અકસ્માત સ્થળેથી તૂટેલી નંબર પ્લેટ ઉપરાંત પોલીસથી બચવા માટે ઉપયોગમાં લેવાતી ‘પોલીસ’ લખેલી એક પ્લેટ તેમજ તૂટેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ક્રેન મારફતે કારને બહાર કાઢી તલાશી લેતાં અંદરથી રૂપિયા ૩૧,૦૦૦ની કિંમતની વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 55 બોટલો મળી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કારચાલક ભચાઉ તાલુકાના ચોપડવા ગામનો નામચીન બૂટલેગર ડેવિડ રાયધણ મણકા (સંઘાર) (ઉ.વ. ૨૫) હોવાનું સ્પષ્ટ થયું હતું. 

મૃતક ડેવિડ વિરુદ્ધ અનેક પ્રોહિબિશનના કેસો નોંધાયેલા 

આ મૃતક ડેવિડ વિરુદ્ધ ભચાઉ, સામખિયાળી સહિતના વિવિધ પોલીસ મથકોમાં અગાઉ અનેક પ્રોહિબિશનના કેસો નોંધાયેલા છે અને તે પોલીસ ચોપડે લિસ્ટેડ બૂટલેગર હતો. અંજાર પીઆઈ એચ.એ. જાડેજાના જણાવ્યા અનુસાર, કાર પર લગાવેલી નંબર પ્લેટ બોગસ હોવાનું ખૂલ્યું છે. પોલીસે અકસ્માતે મોત તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ મૃતક વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈધ)