Tue Jul 21 2026

Logo

રોહિત શર્મા ખૂબ ગુસ્સામાં અને ગૌતમ હતો ગંભીર મુદ્રામાં!

London   2026-07-20 16:39:55
Author: Ajay Motiwala
Article Image

BCCI


લંડનઃ અહીં રવિવારે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે નિર્ણાયક વન-ડે હારી જતાં ભારતે 1-2થી સિરીઝ પણ ગુમાવી, પરંતુ આ પરાજય વચ્ચે ટીમ ઇન્ડિયા માટે અને એના ચાહકો માટે એક સારું એ થયું કે ઘણા દિવસોથી ફૉર્મ ગુમાવી બેઠેલા અને ટીકાના સામનો કરી રહેલા `હિટમૅન' રોહિત શર્મા (138 રન, 110 બૉલ, 175 મિનિટ, પાંચ છગ્ગા, સત્તર ચોગ્ગા)એ ફાંકડી ફટકાબાજીથી શાનદાર 19 વર્ષ જૂની વન-ડે કરીઅરની 34મી સેન્ચુરી ફટકારી હતી અને ટીકાકારો તેમ જ તેના વિશે અટકળો કરતા લોકોની બોલતી બંધ કરી હતી. આ પરિસ્થિતિમાં રવિવારનો જ એક વીડિયો બહાર આવ્યો છે જેમાં રોહિત અને હેડ-કોચ ગૌતમ ગંભીર વચ્ચેનું ઘર્ષણ જોવા મળ્યું હતું.

વધુ નવાઈની વાત એ છે કે કથિત ઉગ્ર વાતચીત દરમ્યાન રોહિત ગુસ્સામાં બોલતો રહ્યો હતો અને ગૌતમ ગંભીર (Gambhir) તેની સામે પણ નહોતો જોતો અને તેની નજર મેદાન તરફ જ હતી. કેટલાક ક્રિકેટ ફૅન્સે સોશ્યલ મીડિયામાં ટિપ્પણી કરી હતી. એક યૂઝરે લખ્યું, `એવું લાગે છે કે રોહિત (Rohit) એ વાતે નારાજ હતો કે રિવ્યૂ મીટિંગમાં ગંભીરે તેને સાથ નહોતો આપ્યો. ગંભીરની બૉડી લૅન્ગવેજ થોડી ઉત્સાહજનક લાગતી હતી.' બીજા એક યૂઝરે લખ્યું, `રોહિત થોડો ગુસ્સામાં લાગ્યો હતો. મને તો લાગે છે કે ગંભીરે મૅચ પહેલાં કંઈક કહ્યું હશે એટલે રોહિત ક્રોધમાં હશે.'

ઇંગ્લૅન્ડ સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં જૉ રૂટના 249 રન તમામ બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા, જ્યારે ભારતીયોમાં કૅપ્ટન શુભમન ગિલ (188 રન) પછી બીજા નંબર પર રોહિત (175 રન) હતો. રવિવારની મૅચ પહેલાં રોહિતની સંભવિત નિવૃત્તિ વિશેની અટકળો ચરમસીમાએ હતી. તેના માતા-પિતા અને પત્ની રિતિકા લંડન પહોંચ્યા હોવાથી એવી વાત જોરશોરથી થતી હતી કે રોહિત આ મૅચને અંતે પરિવારની હાજરીમાં નિવૃત્તિ જાહેર કરશે.

જોકે એવું કંઈ જ નહોતું થયું. રોહિત-ગંભીરનો જે વીડિયો બહાર આવ્યો છે એ રોહિતને લગતા વિવાદમાં આગમાં ઘી હોમવા જેવું કહી શકાય. રોહિત લૉર્ડસની જગમશહૂર બાલ્કનીમાં કંઈક ગુસ્સામાં બોલી રહ્યો હતો અને ગૌતમ ત્યારે ગંભીર મુદ્રામાં જોવા મળ્યો હતો. એ ઘટનામાં બન્ને વચ્ચે કોઈ જ તાલમેલ નહોતો જોવા મળતો. 39 વર્ષીય રોહિત બોલી રહ્યો હતો ત્યારે ગંભીર તેની સામે જોયા વિના તેને સાંભળી રહ્યો હતો. તેણે ભાગ્યે જ `હિટમૅન' તરફ જોયું હતું. રોહિતે બોલવાનું પૂરું કર્યું ત્યાર પછી જ ગંભીરે તેની સામે જોયું હતું. તેની બૉડી લૅન્ગવેજ પરથી લાગતું હતું કે બન્ને વચ્ચે ખૂબ ઉગ્ર ચર્ચા થઈ હતી.