ઍમ્સ્ટલવીનઃ નેધરલૅન્ડ્સમાં શનિવારે સાંજે ભારતે મેન્સ હૉકી (Hockey)ના વર્લ્ડ કપમાં વિજયી શરૂઆત કરી હતી. આઝાદી દિને હરમનપ્રીત સિંહ અને તેની ટીમે દેશને વિજયી-ભેટ આપી હતી. ભારતે અહીં વૅગ્નર સ્ટેડિયમમાં 10,000 પ્રેક્ષકોની હાજરીમાં આ મૅચમાં વેલ્સને 3-1થી હરાવ્યું હતું.
ગ્રૂપ-ડીની આ મૅચમાં સંજયે આઠમી મિનિટમાં ગોલ કર્યા બાદ કૅપ્ટન હરમનપ્રીત સિંહે 11મી અને 43મી મિનિટમાં પેનલ્ટી કૉર્નરમાંથી ગોલ કર્યા હતા. વેલ્સ વતી એકમાત્ર ગોલ સૅમ વેલ્શે 56મી મિનિટમાં કર્યો હતો. હવે 17મી ઑગસ્ટે ભારતનો ઇંગ્લૅન્ડ સામે અને 19મી ઑગસ્ટે પાકિસ્તાન સામે મુકાબલો થશે. ભારત છેલ્લે 51 વર્ષ પહેલાં (1975માં) હૉકીનો વર્લ્ડ કપ જીત્યું હતું.

ભારતીય ખેલાડી મનપ્રીત સિંહનો આ ચોથો વર્લ્ડ કપ છે. તે ભારત વતી વિક્રમજનક 417 મૅચ રમ્યો છે. હૉકીની ઑલિમ્પિક્સમાં ભારત વિક્રમનજન આઠ ગોલ્ડ મેડલ જીત્યું છે. ભારત (India)ના પુરુષ ખેલાડીઓ બૅક-ટુ-બૅક ઑલિમ્પિક ટાઇટલ જીતી ચૂક્યા છે એટલે આ વર્લ્ડ કપમાં તેમની પાસે ઘણી આશા રાખવામાં આવી છે.
ભારત-વેલ્સની મૅચ શનિવારે સાંજે 4.30 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ ભારત-તરફી પ્રેક્ષકો એટલા બધા ઉત્સાહિત હતા કે સ્વાતંત્ર્ય દિને અસંખ્ય લોકો હાથમાં તિરંગા સાથે ચાર કલાક પહેલાં જ (બપોરે 12.30 વાગ્યે) સ્ટેડિયમમાં આવી ગયા હતા.

આ પ્રેક્ષકો ભારતીય હૉકી ટીમના ખેલાડીઓ જેવા નવા ભગવા રંગના જર્સી પહેરીને આવ્યા હતા અને તેમના એક હાથમાં તિરંગો લહેરાતો હતો. જ્યારે બીજા હાથમાં છત્રી ઝાલી હતી.
રવિવારે મહિલાઓમાં ભારત વિરુદ્ધ ચીન
હવે મહિલા વર્ગમાં ભારતની રવિવારે ચીન વિરુદ્ધ મૅચ રમાશે. સલિમા ટેટે ભારતની કૅપ્ટન છે. મહિલા હૉકીમાં ભારત ક્યારેય વર્લ્ડ કપ નથી જીત્યું.