(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી અને સપ્તાહના અંતને કારણે એકંદરે કામકાજો પાંખાં રહ્યા હતા અને ઔદ્યોગિક વપરાશકારો, સ્થાનિક ડીલરો અને સ્ટોકિસ્ટોની લે-વેચ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ટીનના ભાવ કિલોદીઠ રૂ. 11 વધીને રૂ. 5334, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને રૂ. 1305 અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. 995ના મથાળે રહ્યા હતા, જ્યારે વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ લેવાલીને ટેકે કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. એકના સાધારણ સુધારા સાથે રૂ. 1388ના મથાળે રહ્યાં હતાં.
જોકે, આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહેતાં નિકલ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. 10ના ઘટાડા સાથે અનુક્રમે રૂ. 1572 અને રૂ. 423ના મથાળે અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. 950ના મથાળે રહ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. 195 અને રૂ. 343 અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર તથા કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે અનુક્રમે રૂ. 1395, રૂ. 1379 અને રૂ. 1461ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં નિરસ કામકાજે ભાવ કિલોદીઠ રૂ. 303ના મથાળે ટકેલા રહ્યા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.