Sun Oct 04 2026

Logo

અડધો ડઝન રાજ્યોમાં નવા રાજ્યપાલની શક્યતા: આનંદીબેન પટેલની ગુજરાત વાપસીની ચર્ચા

2026-10-03 16:44:57
Author: Mayur Patel
અડધો ડઝન રાજ્યોમાં નવા રાજ્યપાલની શક્યતા: આનંદીબેન પટેલની ગુજરાત વાપસીની ચર્ચા

ગાંધીનગરઃ દેશના અનેક રાજભવનોમાં મોટા ફેરબદલની તૈયારી થઈ રહી છે. છ જેટલા રાજ્યોમાં નવા રાજ્યપાલની શક્યતા છે. આનંદીબેન પટેલને ફરી ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. 

એક ગુજરાતી વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, રાજ્યોના રાજભવનોમાં આગામી દિવસોમાં વ્યાપક સ્તરે મોટા રાજકીય અને વહીવટી ફેરફારો થવાની શક્યતાઓએ જોર પકડ્યું છે. રાજકીય ગલિયારાઓ તથા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અડધો ડઝનથી વધુ રાજ્યોમાં રાજ્યપાલોની બદલી અને નવી નિમણૂકોનો મોટો નિર્ણય લઈ શકે છે. કેટલાક રાજ્યોમાં વર્તમાન રાજ્યપાલોની આંતરિક ફેરબદલ થશે, જ્યારે કેટલાક રાજ્યોને તદ્દન નવા ચહેરા રાજ્યપાલ તરીકે મળી શકે છે. જોકે, આ અંગે આખરી મહોર અને સત્તાવાર જાહેરાત રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પડનારા નોટિફિકેશન બાદ જ સ્પષ્ટ થશે.

સંભવિત ફેરબદલમાં સૌથી વધુ ચર્ચા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નામને લઈને થઈ રહી છે. તેઓ ઉત્તર પ્રદેશ જેવા દેશના સૌથી મોટા રાજ્યમાં લાંબા સમયથી સફળતાપૂર્વક રાજ્યપાલ પદે સેવા આપી રહ્યા છે. હવે તેમના કાર્યકાળની મુદત અને ભાવિ જવાબદારીને લઈને વહીવટી વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આનંદીબેન પટેલને યુપીમાંથી મુક્ત કરીને કોઈ અન્ય મહત્વની સંસ્થાકીય કે બંધારણીય જવાબદારી સોંપવામાં આવી શકે છે, અથવા તેઓ સક્રિય રાજકારણ-સામાજિક જવાબદારી સાથે ગુજરાત પરત ફરે તેવી સંભાવનાઓ પણ પ્રબળ બની છે. ગુજરાતના સંગઠન અને વહીવટમાં તેમનો બહોળો અનુભવ રહ્યો હોવાથી તેમની ગુજરાત વાપસીની ચર્ચાએ રાજ્યના રાજકારણમાં પણ ભારે ઉત્સુકતા જગાવી છે.

બીજી તરફ, ગુજરાતના વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અંગે પણ મહત્વપૂર્ણ અટકળો ચાલી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રસાર સહિતના અભિયાનોમાં મહત્વનું યોગદાન આપનાર આચાર્ય દેવવ્રતના પદમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. જો તેમને અન્ય કોઈ મોટા રાજ્યની જવાબદારી સોંપાય, તો ગુજરાતના રાજભવનમાં આગામી દિવસોમાં નવા રાજ્યપાલની નિમણૂક જોવા મળી શકે છે.

આ ફેરબદલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી રહેલા વરિષ્ઠ આદિવાસી અગ્રણી મંગુભાઈ પટેલને એમપીમાંથી બદલીને અન્ય કોઈ રાજ્યમાં મોકલવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત હાલ પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે કાર્યરત કે. કૈલાશનાથનને તેમના વહીવટી અનુભવને ધ્યાને રાખી કોઈ મોટા રાજ્યના પૂર્ણકાલીન રાજ્યપાલ બનાવીને મોટી જવાબદારી સોંપાય તેવી ચર્ચા જોરમાં છે.