Thu Oct 08 2026

Logo

આજે આટલું જ: અક્ષર ઢાઈ જાણે રે...

2026-10-04 08:00:00
Author: Shobhit Desai
આજે આટલું જ: અક્ષર ઢાઈ જાણે રે...

 

 

 

- શોભિત દેસાઈ

 

કેપ્ટન સ્મિત મચ્છર, જયસુખલાલ હાથી, જ્યોતિન્દ્ર દવે, વિનુ માંકડ

 

શું કહેવાય!!! આવા અદ્ભુત વીરત્વને કયા શબ્દે નવાજી શકાય?! કયા રંગે રંગી શકાય? નજીકમાં નજીક વાત એમ કહી શકું કે કરુણાથી છલોછલ પતંગિયું નફરતની આખી આગ ભરખી ગયું!!! ભારતમાની લાજ બચાવવા, એની સેંથીનું કંકુ અક્ષુણ્ણ રાખવા 140 કરોડ લોકોની શાન એવો સ્મિત મચ્છર એનાં ટેરરિસ્ટ સહપાઇલટને વશમાં રાખી એકલ હાથે 185 મુસાફરોને અખંડ રાખી એમને પાર ઉતારે છે અને એમિરેટ્સની  ફલાયદુબાઈ નામની લો કોસ્ટ એરલાઇન્સને શ્રેષ્ઠની પ્રતિષ્ઠામાં મૂકી દે છે. કેપ્ટન મચ્છર છેલ્લાં ચાર વર્ષથી દુબઈ એરલાઇન્સનાં પાઇલટ છે. એ પહેલાં એ સ્પાઈસજેટમાં દસ વર્ષ હતાં. કેપ્ટન મચ્છર (આ નામનું ‘રહસ્ય’ યોગ્ય સમયે આજે જ છતું થશે જ, હમણાં બસ... વાંચે રાખ મારા વહાલા!!!)નો બોઈંગ -733 સાથેનો 9750 ફ્લાઇંગ અવર્સનો અનુભવ છે. કેપ્ટન સ્મિત મચ્છર વિશે આટલી માહિતી આપણે પૂરતી છે.

 

હવે વાર્તા...

 

ઉડાન નંબર એફઝેડ 1073 દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બેન ગુરીઓં જવા બુધવારે સવારે નીકળે છે અને ફ્લાયદુબઈ અનુસાર વિમાનના ઉડાનકક્ષમાંથી ઝઘડાનાં અવાજ આવવા માંડે છે. મધ્ય આકાશમાં સ્થિર ગતિએ ઉડાન ભરતાં વિમાનની વ્યવસ્થા સાથે સાથી પાઇલટ ગરબડ કરવાની શરૂઆત કરે છે કે તરત કેપ્ટન મચ્છર એને અટકાવવાની કોશિશ કરતાં પાઇલટ એને ખંજરથી મારે છે. પાઇલટનો ઈરાદો મુસાફરો સાથે આખા પ્લેનને ઉડાવી દેવાનો છે. એ જ ક્ષણે બહારથી એક પ્લેનનો ક્રૂ મેમ્બર અને એક પેસેન્જર કોકપીટની અંદર આવી પાઇલટ પર કાબૂ મેળવે છે અને એને બાંધી દે છે. સારથી વગરનું વિમાન અચાનક 17,400 ફૂટ નીચે આવી જાય છે, પણ તરત જ બીજો ક્રૂ મેમ્બર આવી પ્લેન તાબામાં લઈ લે છે. વિમાનને તરત સઉદી અરેબિયામાં, બધા જ હેમખેમ મુસાફર, ક્રૂ મેમ્બર્સ સાથે કોઈક અજાણ્યા એરપોર્ટ પર ઉતારવામાં આવે છે અને તરત જ પેલા ટેરરિસ્ટ પાઇલટની કડક પૂછતાછ શરૂ થઈ જાય છે. ઈઝરાયલના વિદેશ પ્રધાનના જણાવ્યા અનુસાર મુસાફરોમાં ઈઝરાયલી, ભારતીયો, અમેરિકનો અને આરબો છે.

 

આ તો થઈ હકીકતભરી વાર્તા, મૂળ વાત એ કે અંતની શરૂઆતને કાબૂમાં લઈ લેવાનું અને અવાજ ખૂબ જ મોટો કરીને બહાર સિગ્નલ પહોંચાડવાનું કામ કેપ્ટન સ્મિત મચ્છર દ્વારા ન થયું હોત તો આજે એકસાથે એક ખલનાયક અને લગભગ 185 નિર્દોષ જીવતાં માણસો આગળ સ્વ. લાગી ગયું હોત. ભારતમાતાની દરેક મા આવા સંતાન જન્માવે તો 30 વર્ષે ખીચોખીચ ખલનાયકોથી ભરેલો દેશ ઇીંળફક્ષ ઙજ્ઞહહીશિંજ્ઞક્ષ વગરનો થઈ જાય. બોલો, લાગી એક એક જનમની?!!!

* * * *

હવે વાતને જરા હળવાશથી લઈએ એટલે કે નામને જરા હળવાશથી લઈએ તો કેપ્ટન સ્મિત મચ્છર એ આમ તો વડનગરા નાગર જ્ઞાતિનું નામ લાગે છે. અમારે નાગરોમાં દેસાઈ-બક્ષી-મહેતા જેવી અતિસાધારણ અટકો પણ છે. તો મચ્છર જેવી ‘અનહર્ડ ઓફ’ અટકો પણ છે જ છે. બહુ જ વિનમ્રતા સાથે કહું તો આ તો એક મચ્છર હતો અને 185ને એક પળમાં બચાવી લીધા. હજી અમારી પાસે માંકડ, મંકોડી, ઘોડા અને હાથી પણ છે. (ઉદય મઝુમદાર સંકલિત) જય હાટકેશ. અમે છીએ વડનગરા નાગર. હાજી.

 

ભલે તમે બીજા કોઈને ‘નમો’

પણ તમે અમને તો ખૂબ ગમો

 

હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, જૈન, બૌધ્ધ કે અન્ય અનેક તો ફક્ત બહાના છે ઝઘડવા-ઝઘડાવવાના. હકીકતમાં આપણે 57 કરોડ હતા ત્યારથી અત્યારે 140 કરોડ છીએ ત્યાં સુધી એક ક્રિકેટ નામના ધર્મના આશરે અને આધારે જીવતી પ્રજા છીએ. મને યાદ આવે છે વિનુ માંકડની એ ઓલ રાઉન્ડરીય સિદ્ધિ જ્યારે એમણે 167 રન સાથે 9 વિકેટ લીધેલી અને એ ટેસ્ટને લોર્ડસ ટેસ્ટને બદલે માંકડ ટેસ્ટનું માનનીય નામ અપાયું હતું. ભારત તે વખતે માંડ 45-50 કરોડનું હશે. ભારતમાં ટીમના આગમન પછી સીસીઆઈમાં વિનુ માંકડનું સન્માન તે વખતના કેન્દ્રીય મંત્રી જયસુખલાલ હાથી દ્વારા કરવાનું તય થયું. કાર્યક્રમનું સંચાલન સોંપાયું જગવિખ્યાત હાસ્યકાર જ્યોતિન્દ્ર દવેને. ખીચોખીચ સમારંભમાં જ્યોતિન્દ્રભાઈ એટલું જ બોલ્યા : ‘હું આજના કાર્યક્રમ વિશે કેવળ અજ્ઞ છું, પણ મારે મન અનહદ આનંદ એક જ વાતનો છે કે આજે હાથી માંકડનું સન્માન કરી રહ્યા છે.

 

ધર્મ છે કેવળ વહેવું સતત’ને અક્ષર ઢાઈ જાણે છે,

ધર્મ પવન છે, ઉકરડા ઉપર પાણી વાઈ જાણે છે.

 

મૌન રહી એ તાકે તો બ્રહ્માંડ સમાતું આંખોમાં

ઉચ્ચાર્યો જ્યાં શબ્દ, તરત દુનિયામાં છવાઈ જાણે છે.

ખુલ્લેઆમ ખરચવાનો છે ચિઠ્ઠીમાં અનુરોધ, છતાં-

માનું મન છે, પરસેવાની પાઈ પાઈ જાણે છે.

એક તો તારો સુંદર ચહેરો ઔર... વધુ સુંદર લાગે

કારણ? ખોટી સોગંદો તું સુંદર ખાઈ જાણે છે !!!

એમ નથી કે દુ:ખ નથી પડતાંજ જીવનમાં પણ વહાલા!

એ સમભાવ તેં આપ્યો જે દુ:ખોને ગાઈ જાણે છે.

મન કે હૃદયની સાથ લગી લગની હો તો ક્યાં છે અઘરું ?

એક કબીરા જાણે છે, એક મીરાંબાઈ જાણે છે.

ચુંબકિયા સૌ વળગણ છોડી ફક્ત લખી છે ગઝલો મેં

‘શોભિત’, નરસૈંયાનો વંશજ, પીડ પરાઈ જાણે છે!

 

શોભિત દેસાઈ

 

આજે આટલું જ...