સ્થાનિકમાં સોનું રૂ. 707 અને ચાંદી રૂ. 1954 નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની ગત સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં સોનાના ભાવ 1.1 ટકા અને ચાંદીના ભાવ 2.6 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક સ્તરે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ વ્યાજદરમાં વધારો કરતાં ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 39 પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓની આયાત પડતરોમાં વધારો થવાને કારણે ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 704થી 707નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1954નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1954ના ઘટાડા સાથે રૂ. 2,20,866ના મથાળે રહ્યા હતા.
તેમ જ આજે હાજરમાં સોનાના ભાવમાં વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ રહ્યું હતું, પરંતુ ડૉલર સામે રૂપિયો 39 પૈસા નબળો પડ્યો હોવાને કારણે આયાત પડતરો વધી આવતા વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 704 ઘટીને રૂ. 1,47,175 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 707 ઘટીને રૂ. 1,47,767ના મથાળે રહ્યા હતા. તેમ જ રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત પૂર્વે રોકાણકારોનો સાવચેતીનો અભિગમ અને ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકા ઘટીને આૈંસદીઠ 4119.01 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ એક ટકાના ઘટાડા સાથે 4145.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે રોકાણકારોએ ફેડરલની ગત સપ્ટેમ્બર મહિનાની બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું અને ખાસ કરીને તેઓ નીતિવિષયક સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું એક્ટિવ ટ્રેડનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસિર રિકાર્ડો એવેન્જેલિસ્ટાએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે અમેરિકાના રોજગારીના ડેટા અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા ઘટી ગઈ છે, પરંતુ ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા વધીને 86 ટકા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જોકે, આજે કાન્સાસ સિટી ફેડના પ્રમુખ જેફ સ્કમીડે ફુગાવાને અંકુશમાં લાવવા વ્યાજદરમાં વધારાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું, જ્યારે સાન ફ્રાન્સિસ્કો ફેડના પ્રમુખ મેરી ડેલેએ વ્યાજદરમાં વધારાનો આધાર ફુગાવા વૃદ્ધિ કે ઘટાડાલક્ષી પરિબળો પર અવલંબિત રહેવો જોઈએ. સામાન્યપણે ઊંચા વ્યાજદરના સંજોગોમાં સોનાના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની માગ નિરસ રહેતી હોય છે.