(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ ઑક્ટોબર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડતાં આજે લંડન ખાતે સોનામાં સુધારો આગળ ધપ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 274થી 276નો સુધારો આવ્યો હતો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1337 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત ભાવઘટાડાના માહોલમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1337ના ઘટાડા સાથે રૂ. 2,22,820ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવા છતાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 274 વધીને રૂ. 1,47,879 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 276 વધીને રૂ. 1,48,474ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 4152.04 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.56 ટકા વધીને 4180 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને આૈંસદીઠ 61.10 ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા.
ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને 30 વર્ષની લાંબા સમયગાળાની એમેરિકી ટ્રેઝરીની યિલ્ડ 24 વર્ષની ઊંચી સપાટીએ રહેવા જેવાં વિપરીત પરિબળો છતાં હાલ સોનાના ભાવ આૈંસદીઠ 4100 ડૉલરની ટેકાની સપાટી આસપાસ રહ્યા હોવાનું સાક્સો બૅન્કનાં કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઑલે હસને જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો ઑક્ટોબર મહિનાની બેઠકમાં ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા ઘટીને 21 ટકા થઈ ગઈ છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં વ્યાજદરમાં વધારાની શક્યતા હજુ 70 ટકા મૂકી રહ્યા છે. જોકે, આ સપ્તાહે અમેરિકાના આર્થિક ડેટાની કોઈ ખાસ જાહેરાત ન હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવની વધઘટ ડૉલર ઈન્ડેક્સની વધઘટ પર અવલંબિત રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
વધુમાં જી-7ના દેશો તરફથી કટોકટી માટેનો સ્ટોક છૂટો કર્યો હોવાથી આજે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Chat GPT Image