નવી દિલ્હીઃ સ્થાનિક ઉત્પાદકોની ફરિયાદને ધ્યાનમાં લેતા ભારતે ચીનથી આયાત થતાં એન્જિનિયરિંગ અને રસાયણ ક્ષેત્રનાં પાંચ ઉત્પાદનોનાં ડમ્પિંગ સામે એન્ટિ ડમ્પિંગ તપાસ હાથ ધરી છે. આ તપાસ વાણિજ્ય મંત્રાલય હેઠળનાં ડિરેક્ટોરેટ જનરલ ફોર ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર) દ્વારા હાથ ધરવામાં આવશે. ડિરેક્ટોરેટ દ્વારા જાહેર કરવામાં આવેલા છ અલગ અલગ નોટિફિકેશન અનુસાર ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં વપરાતા પર્સલ્ફેટ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગે્રડિયન્ટ ક્લવલેનિક એસિડ, અમુક કાઉન્ટર બેલેન્સ ફોર્કલિફ્ટ્સ, ઈન્ટરનલી ગ્રુવ્ડ કોપર ટ્યૂબ્સ અને પાઈપ તથા ફેબ્રિક્સમાં વપરાતા કેપ્રોલેક્ટમનો સમાવેશ થાય છે.
અરજીમાં સ્થાનિક ખેલાડીઓએ આક્ષેપ કર્યો છે કે આ ઉત્પાદનો ચીનથી ડમ્પ થઈ રહ્યા છે અને તેને કારણે સ્થાનિક વેપારો પર માઠી અસર પડતી હોવાથી તેઓએ આ ચીજોની આયાત સામે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવાનો અનુરોધ કર્યો છે. સ્થાનિક ઉદ્યોગ દ્વારા અથવા તેમના વતી દાખલ કરવામાં આવેલી અરજી અને ડમ્પિંગનાં સંતોષજનક યોગ્ય પુરાવાને ધ્યાનમાં લેતા એન્ટિ ડમ્પિંગ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું નોટિફિકેશનમાં ઉમેર્યું હતું.
તપાસ દરમિયાન જો ડમ્પિંગને કારણે સ્થાનિક ઉત્પાદકોનાં હિતો પર માઠી અસર થઈ હોવાનું ફલિત થશે તો ડિરેક્ટોરેટ દ્વારા એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવાની ભલામણ કરવામાં આવશે. તેમ છતાં ડ્યૂટીનો અમલ કરવા અંગેનો અંતિમ નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવશે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષમાં ભારતની ચીન ખાતેની નિકાસ 36.66 ટકા વધીને 19.47 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે આયાત 16 ટકા વધીને 131.63 અબજ ડૉલરના સ્તરે રહેતાં ભારતની ચીન સાથેની વેપાર ખાધ વધીને 112.6 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ રહી હતી. તે પૂર્વનાં નાણાકીય વર્ષ 2024-25માં ભારતની વેપાર ખાધ 99.2 અબજ ડૉલરના સ્તેર રહી હતી.
AI