Tue Oct 06 2026

Logo

પેસેન્જર માટે 50 નિયમો, છતાં પાઈલટના બેકગ્રાઉન્ડ ચેકિંગમાં 'ગાબડું' કેમ? ફ્લાયદુબઈ ફ્લાઈટ કાંડમાં ઉઠ્યા ગંભીર સવાલ

2026-10-06 16:10:07
Author: Mumbai Samachar Team
પેસેન્જર માટે 50 નિયમો, છતાં પાઈલટના બેકગ્રાઉન્ડ ચેકિંગમાં 'ગાબડું' કેમ? ફ્લાયદુબઈ ફ્લાઈટ કાંડમાં ઉઠ્યા ગંભીર સવાલ

દુબઈ/નવી દિલ્હી: ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ઓમાની કો-પાઈલટ હમામ અલ-હમામી દ્વારા ભારતીય કેપ્ટન પર કથિત હુમલા બાદ પાઈલટની ભરતી અને બેકગ્રાઉન્ડ ચેકને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે જો ઓમાનમાં આ પાયલટને કથિત કટ્ટરપંથી વિચારધારાની આશંકાને કારણે પ્લેન ઉડાવવાથી રોકવામાં આવ્યો હતો, તો તે ફ્લાયદુબઈમાં કો-પાઈલટ તરીકે કેવી રીતે નોકરી મેળવી શક્યો. સૌથી મહત્ત્વની વાત એ છે કે સામાન્ય રીતે ફ્લાઈટમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે અનેક નિયમો લાગુ હોય છે તો પછી હિંસક પાઈલટ માટે કઈ રીતે મળી છૂટછાટ. આ બાબતને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે.

સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે તેની ડ્યૂટી ઈઝરાયલ જતી ફ્લાઈટમાં પણ લગાવવામાં આવી હતી. 9/11ના આતંકવાદી હુમલાને 25 વર્ષ વીતી ગયા બાદ પણ જો એક દેશની સુરક્ષા સંબંધિત ચેતવણી બીજા દેશની એરલાઈન સુધી આપમેળે પહોંચતી ન હોય, તો આ ખામી દૂર કરવાની જરૂરિયાત હવે વધુ ગંભીર બની છે.

અહેવાલ મુજબ, ઓમાને 2024માં હમામ અલ-હમ્મામીને વિમાન ઉડાવવાની જવાબદારીમાંથી હટાવીને ગ્રાઉન્ડ પર ઓફિસની નોકરી આપી હતી. તેની પાછળ કટ્ટરપંથી વિચારધારા સાથે જોડાયેલી આશંકા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેણે ફ્લાયદુબઈમાં નોકરી માટે અરજી કરી અને ત્યાં થયેલી તપાસમાં મુખ્યત્વે સ્થાનિક ક્રિમિનલ રેકોર્ડ, લાઈસન્સ અને અન્ય સામાન્ય દસ્તાવેજોની ચકાસણી થઈ હોવાનું કહેવાય છે. પરંતુ ઓમાને તેને પાઈલટ તરીકે ઉડાન ભરવાથી શા માટે રોક્યો હતો, તેની માહિતી ફ્લાયદુબઈ સુધી પહોંચી નહોતી.

પાઈલટ માટેના નિયમો શું હોય છે? 

હકીકતમાં, વિશ્વભરમાં પાઈલટોની ભરતી માટે એકસરખો આંતરરાષ્ટ્રીય નિયમ નથી. ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઈસીએઓ), જે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી છે, વૈશ્વિક એવિએશન સિક્યોરિટી માટે ધોરણો નક્કી કરે છે. તેના ધોરણો મુજબ વિમાન, કોકપિટ અને એરપોર્ટના પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ મેળવનારા લોકોની બેકગ્રાઉન્ડ તપાસ અને સિક્યોરિટી ક્લિયરન્સ થવી જોઈએ. જોકે આ ધોરણોનો અમલ દરેક દેશની પોતાની એવિએશન ઓથોરિટી કરે છે. ભારતમાં ડીજીસીએ, યુએઈમાં જીસીએએ અને ઓમાનમાં તેની સિવિલ એવિએશન ઓથોરિટી આ જવાબદારી સંભાળે છે.

પાઈલટ રાખતા પહેલા શું ચેક કરાય છે? 

પાઈલટને નોકરી આપતી વખતે સામાન્ય રીતે ત્રણ મુખ્ય પ્રકારની તપાસ કરવામાં આવે છે. પહેલા પાઈલટનું લાઈસન્સ અને મેડિકલ ફિટનેસ ચેક કરવામાં આવે છે. બીજુ તેના ક્રિમિનલ બેકગ્રાઉન્ડની તપાસ થાય છે અને ત્રીજું, એરપોર્ટના સુરક્ષિત વિસ્તારોમાં પ્રવેશ માટે સિક્યોરિટી ક્લિયરન્સ આપવામાં આવે છે. જો સિક્યોરિટી તપાસમાં કટ્ટરપંથી વિચારધારા અથવા કોઈ ગંભીર સુરક્ષા જોખમના સંકેત મળે તો ક્લિયરન્સ અટકાવવાની જોગવાઈ છે, પરંતુ એક દેશમાં મળેલી આવી માહિતી આપમેળે બીજા દેશની એરલાઈન અથવા સરકાર સુધી પહોંચે તેવી કોઈ વૈશ્વિક વ્યવસ્થા નથી.

આ કેસમાં નિષ્ણાતો હવે વિશ્વભરના પાઈલટો માટે એક આંતરરાષ્ટ્રીય રજિસ્ટર બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી રહ્યા છે. તેમાં પાઈલટના લાઈસન્સ અને અનુભવ ઉપરાંત સુરક્ષા સંબંધિત ગંભીર નોંધ પણ ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા થઈ શકે છે. 

જોકે પાઈલટ યુનિયનો તરફથી એવી ચિંતા પણ વ્યક્ત થઈ શકે છે કે જો કોઈ એરલાઇન ખોટી રીતે પાઈલટના રેકોર્ડમાં નકારાત્મક નોંધ કરે તો તેની બીજી જગ્યાએ નોકરી મેળવવાની શક્યતા ખતમ થઈ શકે છે. તેથી આવી વ્યવસ્થા બનાવવામાં સુરક્ષા અને પાઈલટના અધિકારો વચ્ચે સંતુલન જાળવવું પણ મોટો પડકાર રહેશે.

આ ઘટનામાં ઈઝરાયલ જતી ફ્લાઈટમાં ઓમાની પાઈલટની હાજરીને લઈને પણ સવાલો ઊભા થયા છે. કારણ કે ઓમાન અને ઈઝરાયલ વચ્ચે સામાન્ય રાજદ્વારી સંબંધો નથી. ઈઝરાયલના પરિવહન મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, ફ્લાયદુબઈની ઈઝરાયલ ફ્લાઈટ માટે એવી શરત હતી કે પાઇલટ એવા દેશનો નાગરિક હોવો જોઈએ જેના ઈઝરાયલ સાથે સામાન્ય સંબંધો હોય. 
જોકે જેરૂસલમ પોસ્ટના કેટલાક સૂત્રોએ દાવો કર્યો છે કે યુએઈ અને ઈઝરાયલ વચ્ચેના ઉડ્ડયન કરારમાં આવી કોઈ શરત નથી. એક અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ઓમાની પાઈલટ તેલ અવીવ આવી ચૂક્યા છે.

ફ્લાઈટ પહેલાં ક્રૂની યાદી, જેમાં તેમના નામ અને રાષ્ટ્રીયતા સામેલ હોય છે, ઈઝરાયલ પહોંચતી હોવા છતાં કોઈ સુરક્ષા એલર્ટ કેમ ન આવ્યું તે પણ તપાસનો વિષય બન્યો છે. સમગ્ર મામલો એ તરફ ઈશારો કરે છે કે મુસાફરો માટે સુરક્ષાના કડક નિયમો હોવા છતાં એરલાઈન પાઈલટોની આંતરરાષ્ટ્રીય બેકગ્રાઉન્ડ તપાસમાં મોટો ગેપ છે.