Tue Nov 10 2026

Logo

તમિલનાડુમાં 100 કરોડના કૌભાંડમાં પૂર્વ શાળા શિક્ષણ મંત્રી અનબિલ મહેશની ધરપકડ

2026-10-26 19:32:39
Author: Chandrakant Kanoja
તમિલનાડુમાં 100 કરોડના કૌભાંડમાં પૂર્વ શાળા શિક્ષણ મંત્રી અનબિલ મહેશની ધરપકડ

ચેન્નાઈ: તમિલનાડુના 100 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા  પૂર્વ શાળા શિક્ષણ મંત્રી અનબિલ  મહેશ પોય્યામોઝીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) દ્વારા કરવામાં આવી હતી. આ આરોપમાં ખાનગી શાળાઓને માન્યતા અને અન્ય કાયદાકીય મંજૂરીઓ આપવા સાથે જોડાયેલું હોવાનું મનાય છે.

ખાનગી શાળા સંગઠન મહાસંઘની ફરિયાદ બાદ કિસ્સો પ્રકાશમાં 

મદ્રાસ હાઈકોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ, ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે અમીનજી કરાઈ  સ્થિત તેમના એપાર્ટમેન્ટ પર દરોડો પાડ્યો અને તેમની ધરપકડ કરી હતી. આ અંગે તમિલનાડુમાં ખાનગી શાળા સંગઠન મહાસંઘના સચિવ ડી.સી. ઈલાંગોવન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. 

 કે બી.ટી. અરાસાકુમારે 100 કરોડની  રકમ પડાવી 

આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો  કે બી.ટી. અરાસાકુમાર અને મુથુકુમાર જેમણે અનુક્રમે 'તમિલનાડુ પ્રાઈવેટ સ્કૂલ્સ એસોસિએશન'ના સ્થાપક પ્રમુખ અને ખજાનચી હોવાનો દાવો કર્યો હતો. તેમણે ખાનગી શાળાઓના સંચાલકો પાસેથી 100 કરોડ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી.

કાયદેસરની પરવાનગીઓ અપાવવાનું વચન આપ્યું હતું 

જેમાં આરોપીએ કાયમી સરકારી માન્યતા અપાવવા, શાળાઓના અપગ્રેડેશન માટે મંજૂરી મેળવવા, ડાયરેક્ટોરેટ ઓફ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ  પાસેથી મંજૂરીઓ મેળવવા અને અન્ય કાયદેસરની પરવાનગીઓ અપાવવાનું વચન આપ્યું હતું. જ્યારે ડીએમકે  પક્ષના ફંડમાં ફાળો આપવાના બહાને આ નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. અરસકુમારે દાવો કર્યો હતો કે સરકારમાં તેની મજબૂત પહોંચ છે અને તેણે ખાનગી શાળાઓને ખાતરી આપી હતી કે તે જરૂરી મંજૂરીઓ મેળવવામાં મદદ કરી શકે છે.

મહેશની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી હતી

જોકે, આ દરમિયાન તેમણે મંજૂરી પણ ન અપાવી અને નાણાં પણ પરત નહોતા કર્યા. તેમજ ફરિયાદ બાદ  સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂઆતમાં 'પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ' ની કલમ 7 અને 12 હેઠળ અરસકુમાર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. 27 જૂનના રોજ સીસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદની તપાસમાં મહેશની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી હતી. જે તે સમયે શાળા શિક્ષણ મંત્રી હતા.

ત્રિચીમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા હતા

આ ઉપરાંત 16 સપ્ટેમ્બરના રોજ CCB ની ટીમોએ ચેન્નાઈ અને ત્રિચીમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં મહેશ સાથે સંકળાયેલા ચાર સ્થળોનો પણ સમાવેશ થતો હતો. આ કાર્યવાહી દરમિયાન અનેક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. 29 સપ્ટેમ્બરના રોજ ફરીથી આવા જ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ, 1 ઓક્ટોબરના રોજ ઇડી એ આ કથિત કૌભાંડના સંબંધમાં પીએમએલએ  હેઠળ કેસ નોંધ્યો હતો.