નાગોયાઃ દિવ્યાંગો માટેની જાપાનની એશિયન પૅરા ગેમ્સમાં સોમવારે ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ હરિયાણાનો 27 વર્ષીય રિન્કુ હૂડા (Rinku Hooda) જોઈએ એટલો ખુશ નહોતો, કારણકે બે મહિના પહેલાં તેના મમ્મીનું દેહાંત થયું હતું એટલે તે ભારે હૃદયે આ રમતોત્સવમાં ભાગ લેવા આવ્યો છે. જોકે રિન્કુ હૂડાને એ વાતની ખુશી પણ હતી કે તે અહીં ચૅમ્પિયનપદ મેળવીને એ ગોલ્ડ મેડલ (Gold Medal) સદગત માતાને અર્પણ કરી શક્યો હતો.
રિન્કુનો ડાબો હાથ કૃત્રિમ છે. તે 2024ની પૅરાલિમ્પિક્સમાં પાંચમા સ્થાને રહેતાં મેડલ નહોતો જીતી શક્યો. ત્યારે તેના મમ્મી પણ થોડા નિરાશ થયા હતા, પણ હવે રિન્કુની કમનસીબી એ છે કે તે એશિયન પૅરા ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે તેના મમ્મી હયાત નથી.
India’s Javelin Stars Shine Bright! A spectacular 1–2 finish for India at the Asian Para Games 2026! Rinku Hooda struck Gold with a throw of 65.11m, followed closely by Ajeet Singh, who claimed Silver with 65.02m in the Men’s F46 Javelin event. https://t.co/xJGYnRVx6D
— Jay Ajit Pawar (@Jaypawarspeaks) October 19, 2026
રિન્કુ હૂડાએ ભાલો 65.11 મીટર દૂર ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે ગોલ્ડ જીત્યો અને ભારતનો અજીત સિંહ 65.02 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
રિન્કુ હૂડાના મમ્મીનું આઠમી ઑગસ્ટે નિધન થયું હતું. ત્યાર બાદ રિન્કુ શોકમગ્ન હતો, પરંતુ જાપાનમાં ગોલ્ડ મેડલ જીતીને મમ્મીને અર્પણ કરવા મક્કમ પણ હતો. તેને ખભામાં ઈજા થતાં પ્રૅક્ટિસને અસર થઈ હતી. જોકે મમ્મીને મેડલ સમર્પિત કરવા તે મનથી દૃઢ હતો એટલે પ્રૅક્ટિસ શરૂ કરી અને પૂરી તૈયારી સાથે જાપાન પહોંચ્યો હતો અને રમતોત્સવના પહેલા જ દિવસે ગોલ્ડ મેડલ જીતીને રહ્યો.