રાજકોટઃ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી એક દંપતીએ આપઘાત કર્યો હતો. મૃતક રમેશ ચાવડા અને તેમના પત્ની આરતીબહેને આ દર્દનાક પગલું ભર્યું હતું. તેમણે અટીકા ફાટક પાસે આવેલા પોતાના જ કારખાનામાં જીવ ટૂંકાવ્યો હતો.
મળતી વિગત પ્રમાણે, રમેશ ચાવડા નામના વેપારીએ લસણના ધંધા માટે મોરબી અને રાજકોટના વ્યાજખોરો પાસેથી 3 મહિના પહેલાં 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. 8 લાખ સામે તેમણે 21 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. વ્યાજખોરો 195 ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલતા હતા અને છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 42,000 રૂપિયા વ્યાજ પેટે પડાવતા હતા.
રાજકોટના અટીકા ફાટક પાસે આવેલા કારખાનામાં મોરબીના વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી રમેશભાઈ અને આરતીબેન નામના પતિ-પત્નીએ આપઘાત કરી લીધો છે. ૧૯૫ ટકા વ્યાજની ઉઘરાણીથી કંટાળી દંપતીએ આ પગલું ભરતા પરિવારમાં આક્રંદ છવાયો છે. જુઓ પૂરો અહેવાલ. https://t.co/PHRNgL8bPP
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 26, 2026
આટલા રૂપિયા ચૂકવ્યા છતાં વ્યાજખોરોનું દબાણ અને ધમકીઓ સતત ચાલુ રહેતાં, કંટાળીને દંપતીએ પોતાના લસણના કારખાનામાં આપઘાત કરી લીધો હતો. મૃતકના ભાઈએ જણાવ્યું કે, વ્યાજખોર એક મોરબીનો અને એક રાજકોટનો છે. લસણનો ધંધો કરવા માટે વ્યાજે પૈસા લીધા હતા. મારા ભાઈ સાથે જે થયું તે બીજા સાથે ન થાય અને વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરે તેવી સરકાર સમક્ષ અમારી માંગણી છે.
મૃતક દંપતીને સંતાનમાં એક 15 વર્ષનો દીકરો છે. માતા-પિતાના આપઘાતથી તે નોંધારો બન્યો હતો. પતિ-પત્નીની એક સાથે અર્થી ઉઠતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતકોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.