અમદાવાદઃ અમદાવાદમાં સ્કૂલો બાદ હવે જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. 2008 જેવા હાલ કરવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમદાવાદની હાઈ-સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલને અજાણ્યા શખ્સ દ્વારા ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
આ ધમકીભર્યો ઈમેઈલ મળતાની સાથે જ બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ સહિતની સુરક્ષા ટીમો તાત્કાલિક જેલ પરિસરમાં દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ઘન સઘન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.પોલીસે આ ઈમેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તેની ટેકનિકલ તપાસ શરૂ કરીને ધમકી આપનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હતી. ઈમેલમાં પાકિસ્તાન જિંદાબાદ અને ખાલિસ્તાન જિંદાબાદની સાથે અલ્લાહુ અકબરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદની સાબરમતી સહિત રાજ્યની વિવિધ જેલોને ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્ર એલર્ટ થઈ ગયું હતું. વડોદરા સેન્ટ્રલ જેલ, રાજકોટ સેન્ટ્રલ જેલ સહિત રાજ્યની વિવિધ જેલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
થોડા દિવસ પહેલા અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ફરી એકવાર ધમકી મળી હતી. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઈટની વિધા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન વિધાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. 11 મહિનામાં 8મી વખત અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી.