ચેન્નઈ: જૂનાગઢમાં રહેતી 14 વર્ષની જેન્સી દીપકભાઈ કાનાબાર નામની ટીનેજ ટેનિસ ખેલાડી તાજેતરમાં વિમેન્સ ટેનિસ એસોસિએશન (ડબલ્યુટીએ) સાથે સંકળાયેલી વિશ્વવિખ્યાત ચેન્નઈ ઓપન ટેનિસ (Tennis) સ્પર્ધામાં વિદેશી હરીફ ખેલાડી સામે હારી ગઈ હતી, પરંતુ જેન્સી કાનાબારે અનેકના દિલ જીતી લીધા હતા.
પોલૅન્ડની હરીફને લડત આપીને હારી
નાનપણથી જૂનાગઢ જિમખાનામાં અને અમદાવાદ, રાજકોટ અને ચંડીગઢમાં કોચિંગ મેળવનાર તેમ જ ભારતના ટેનિસ-લેજન્ડ રોહન બોપન્ના અને તેની ટીમ તરફથી કોચિંગની બાબતમાં સપોર્ટ મેળવનાર લોહાણા સમાજની જેન્સી કાનાબારે જૂનાગઢથી 2000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને ચેન્નઈ આવ્યા બાદ ચેન્નઈ ઓપનમાં પોલૅન્ડની વેરોનિકા ફૉલ્કૉવસ્કા સામેની મૅચમાં પહેલો સેટ 6-2થી જીત્યા બાદ બીજા બે સેટ 5-7, 3-6થી હારી ગઈ હતી. જોકે બંને ખેલાડી વચ્ચે ઘણો ફરક હતો. ડાબા હાથથી રમતી જેન્સી કાનાબારની પ્રોફેશનલ કરીઅર થોડા સમય પહેલાં જ શરૂ થઈ હતી અને તે તાજેતરમાં જ જુનિયર રેન્કિંગમાં ટોપ-50માં આવી છે. બીજી બાજુ, વેરોનિકા ઘણા વર્ષોથી પ્રોફેશનલ ટેનિસ રમે છે. જેન્સી કાનાબાર હારી ગયા પછી પણ કેટલાક યુવા પ્રેક્ષકો તેને મળવા આવ્યા હતા જેમાંના કેટલાકે તેના ઓટોગ્રાફ પણ લીધા હતા. જેન્સીએ પીટીઆઈને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘આ વખતે મેં કરેલી ભૂલ હવે પછીની ઇવેન્ટમાં ન થાય એની હું ખાસ તકેદારી રાખીશ.'
જેન્સીનાં જન્મ પહેલાં પિતાએ સપનું સેવ્યું હતું કે...
જેન્સી કાનાબારના પિતા દીપકભાઈ અગાઉ સ્કૂલ ટીચર હતા. તેઓ વિશ્વવિખ્યાત જર્મન મહિલા ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફના ફેન હતા. તેમણે જેન્સીના જન્મ પહેલાં જ વિચારી રાખ્યું હતું કે જો તેમને ત્યાં પુત્રી જન્મ લેશે તો તેને તેઓ ટેનિસ પ્લેયર બનાવશે. એ સપનું પૂરું કરવા તેમણે જેન્સીને ત્રણ વર્ષની ઉંમરથી જ ટેનિસની તાલીમ આપવાની શરૂઆત કરી દીધી હતી.
દીકરી માટે થઈને પિતાએ નોકરી છોડી હતી
ટેનિસ રમવામાં જેન્સી કાનાબાર અન્ડર-14 ઑસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની ચૂકી છે. તેનો જે નિર્ભય અભિગમ જોવા મળે છે એ તેના પિતા દીપકભાઈને આભારી છે, કારણકે વર્ષોથી દીપકભાઈએ ટેનિસની રમતને પોતાના જીવનનું કેન્દ્ર બનાવી લીધું છે. તેમણે દીકરીની કારકિર્દી માટે થઈને સ્કૂલ ટીચર તરીકેની નોકરી છોડી હતી અને ત્યાર બાદ સરકારી નોકરી કરવા લાગ્યા હતા જેમાં તેમનો સરકારી વિભાગ તેમને પુત્રી સાથે ટેનિસની ટૂર પર જવા માટે રજા લેવાની છૂટ આપે છે.
જૂનાગઢમાં ટેનિસ કોર્ટને જેન્સીનું નામ!
જૂનાગઢમાં જેન્સી કાનાબાર (Jensi Kanabar) એટલી જાણીતી છે કે ત્યાંના જૂનાગઢ જિમખાનામાં ટેનિસ કોર્ટને ‘કુમારી જેન્સી કાનાબાર ટેનિસ કોર્ટ' નામ આપવામાં આવ્યું છે. દીપકભાઈ કહે છે કે ‘મારી દીકરીને મળેલું આ માન નાણાકીય પુરસ્કારથી પણ વિશેષ છે.'