Tue Nov 10 2026

Logo

ઉત્તર ગુજરાતમાં તોળાતું પાણીનું સંકટ, ધરોઇ ડેમમાં પાણીનો ૫૦ ટકા જથ્થો...

2026-11-03 17:55:45
Author: Chandrakant Kanoja
ઉત્તર ગુજરાતમાં તોળાતું પાણીનું સંકટ, ધરોઇ ડેમમાં પાણીનો ૫૦ ટકા જથ્થો...

મહેસાણા: ગુજરાતના રાજકોટમાં એક તરફ પાણીનું સંકટ ટાળવા માટે સૌની યોજનામાંથી નર્મદાના પાણીથી આજી અને ન્યારી ડેમ ભરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ઉત્તર ગુજરાતના મહેસાણાના ધરોઇ ડેમમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. જેના લીધે આગામી દિવસોમાં પીવાના અને સિંચાઈના પાણીની અછત સર્જાવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ધરોઇ ડેમમાં હાલ  નિર્ધારિત સંગ્રહ ક્ષમતાના 50 ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો રહ્યો છે. 

 49.87 ટકા પાણીમાંથી જ પીવાના પાણીનું વિતરણ કરવાનું રહેશે 

સાબરમતી નદી પર બનેલો ધરોઈ ડેમ સમગ્ર ઉત્તર ગુજરાતના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તાજેતરના આંકડા મુજબ ધરોઈ ડેમમાં હાલ માત્ર 49.87 ટકા જ પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે. ડેમની વર્તમાન જળસપાટી 606.73 ફૂટ નોંધાઈ છે. શિયાળાના પ્રારંભે જ જળાશયની આટલી નીચી સપાટી તંત્ર અને સ્થાનિક નાગરિકો માટે લાલબત્તી સમાન છે. આગામી આખા વર્ષ દરમિયાન આ બચેલા 49.87 ટકા પાણીમાંથી જ પીવાના પાણીનું વિતરણ કરવાનું રહેશે.

ઉત્તર ગુજરાતના ખેડૂતોના પાકને નુકસાનની શક્યતા 

પાણીના ઘટી રહેલા જથ્થાને કારણે વહીવટી તંત્ર સામે સૌથી મોટો પડકાર ઉભો થયો છે. ઉપલબ્ધ જથ્થામાંથી પ્રથમ પ્રાથમિકતા પીવાના પાણીને આપવી પડે તેમ હોવાથી, ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડવું હવે અત્યંત મુશ્કેલ બની રહેશે. જો ખેતી માટે પાણીનું કટિંગ કરવામાં આવશે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોના પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.