Tue Nov 10 2026

Logo

લગ્ન બાદ જયા બચ્ચન અમિતાભને શું કહીને બોલાવતા હતા? કેબીસીમાં બીગબીએ સંભળાવ્યો રસપ્રદ કિસ્સો

2026-11-03 14:00:00
Author: Mumbai Samachar Team
લગ્ન બાદ જયા બચ્ચન અમિતાભને શું કહીને બોલાવતા હતા? કેબીસીમાં બીગબીએ સંભળાવ્યો રસપ્રદ કિસ્સો

મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નજીવન સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો ફરી ચર્ચામાં આવ્યો છે. અમિતાભ બચ્ચને તાજેતરમાં લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી)ના મંચ પર પોતાના લગ્નના શરૂઆતના દિવસોની યાદ તાજી કરી હતી. તેમણે ખુલાસો કર્યો કે જયા બચ્ચન તેમને વર્ષો સુધી પ્રેમથી ‘લંબુજી’ કહીને બોલાવતાં હતાં, પરંતુ તેમના પિતા અને જાણીતા કવિ હરિવંશરાય બચ્ચનને આ સંબોધન પસંદ નહોતું. 

અમિતાભ બચ્ચને જણાવ્યું કે જયા તેમને ‘લંબુજી’ કહીને બોલાવતાં હતાં. જોકે, એક સમયે તેમના પિતા હરિવંશરાય બચ્ચને જયા બચ્ચનને આ રીતે સંબોધન ન કરવા માટે કહ્યું હતું. અમિતાભના જણાવ્યા અનુસાર, તેમના પિતાએ જયા બચ્ચનને સમજાવ્યું હતું કે પતિને આ રીતે બોલાવવાને બદલે કાં તો તેમના નામથી બોલાવો અથવા પછી બીજું કોઈ યોગ્ય સંબોધન વાપરો. ત્યારબાદ જયા બચ્ચને તેમને નામથી બોલાવવાનું શરૂ કર્યું હતું. 

આ કિસ્સો દિવાળી સ્પેશિયલ એપિસોડ દરમિયાન રણબીર કપૂર સાથેની વાતચીતમાં સામે આવ્યો હતો. અમિતાભે જૂની યાદો વાગોળતાં કહ્યું હતું કે, 'કેટલાંય વર્ષો સુધી તે મને લંબુજી કહેતી હતી. પછી બાબુજીએ તેને એવું ન કહેવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે કાં તો નામથી બોલાવો અથવા બીજું કંઈક કહો. ત્યારબાદ તેણે મને નામથી બોલાવવાનું શરૂ કર્યું હતું.'

શો દરમિયાન વાતચીતનો વિષય બંને પરિવારના સભ્યોની ઊંચાઈ તરફ વળ્યો હતો. રણબીર કપૂરે જણાવ્યું કે જ્યારે પણ તેઓ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને જુએ છે, ત્યારે તેને પોતાની અને આલિયા ભટ્ટની ઊંચાઈનો વિચાર આવે છે. તેણે કલ્પના કરી હતી કે જો બંને યુગલોનો એકસાથે ફોટો લેવામાં આવે તો ઊંચાઈનો તફાવત તસવીરમાં ખૂબ સુંદર લાગશે. 

ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ 5 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પ્રમોશન દરમિયાન અમિતાભ બચ્ચન સાથેની વાતચીતમાં ફિલ્મ ઉપરાંત પરિવાર, ઊંચાઈ અને લગ્નજીવનના જૂના કિસ્સાઓ પણ ચર્ચાનો વિષય બન્યા હતા.