વોશિંગ્ટન/તેહરાનઃ મિડ ટર્મ ઈલેકશન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય થવાની અટકળો વચ્ચે અમેરિકા-ઈઝરાયલની સંયુક્ત કાર્યવાહીને લઈ ઈરાનના અધિકારીઓએ પરમાણુ વિસ્ફોટ અને રેડિયોએક્ટિવ કિરણોથી બચવા માટે એક એડવાઈઝરી જારી કરીને દુનિયાને ચોંકાવી નાખી છે.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA દ્વારા જારી કરવામાં આવેલા આઠ મિનિટના એક વીડિયોમાં નાગરિકોને સંભવિત પરમાણુ હુમલા પછી સુરક્ષિત રહેવાની સાથે બેઝમેન્ટમાં છુપાઈ જવા અને એસી બંધ રાખવાની સાથે ઓછામાં ઓછા 24 કલાક સુધી શેલ્ટર હોમમાંથી બહાર નહીં આવવાની સલાહ આપી હતી. વાયરલ વીડિયોની ગાઈડલાઈન ઈરાનની ઈસ્ફહાન પ્રાંતની ઈમરજન્સી સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી હતી.
એસી અને વેન્ટિલેશન સિસ્ટમ પણ બંધ રાખો
પરમાણુ વિસ્ફોટથી ચાર મુખ્ય ખતરા છે, જેમાં અત્યંત તીવ્ર રોશની, ઘાતક વિસ્ફોટના વેવ, ભીષણ ગરમી અને હવામાં ફેલાવનારા રેડિયોએક્ટિવ કણનો સમાવેશ થાય છે. વાયરલ વીડિયોમાં નાગરિકોને ખાસ જણાવ્યું છે કે વિસ્ફોટના સંજોગોમાં તાત્કાલિક કોઈ મજબૂત ઈમારત અથવા બેઝમેન્ટમાં શરણ લઈ લેવાનું હિતાવહ રહેશે, જ્યારે બહારના કણો પણ અંદર આવે નહીં તેના માટે દરવાજા-બારીઓ પણ બંધ રાખવા. બહારની હવા અંદર આવતી હોય એવા તમામ એસી અને વેન્ટિલેશન સિસ્ટમ બંધ રાખો, જેથી ઝેરી કણો ઘરમાં પ્રવેશે નહીં.
કાર કે અન્ય વાહનોમાં શેલ્ટર નહીં લેવાનું
વિદેશી અહેવાલ અનુસાર લોકોને ઓછામાં ઓછા 24 કલાક સુધી સુરક્ષિત શેલ્ટરમાં રહેવાનો નિર્દેશ કર્યો છે. 24 કલાક પછી સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા વિના બહાર નીકળવાનું ફાયદાકારક રહેશે. ફક્ત પેકેડ ફૂડ અને પાણી પીવાનું પણ ફાયદાકારક રહેશે. બહારના ખુલ્લા ખાદ્ય પદાર્થોનું સેવન નહીં કરવું. કાર અને અન્ય વાહનોને પણ શેલ્ટર તરીકે ઉપયોગ કરવો નહીં, કારણ કે વિસ્ફોટના રેડિયેશન રોકવામાં સક્ષમ નથી.
જો પરમાણુ વિસ્ફોટના સમયે બહાર હોય તો શું કરવું?
ઈરાનના અધિકારીઓએ ચેતવણી આપી છે કે પરમાણુ વિસ્ફોટની રોશનીને સીધા જોશો નહીં. જે લોકો બહાર ફસાયેલા હોય અને તાત્કાલિક બીજી કોઈ ઈમારતમાં પણ જઈ શકતા નથી. તેમણે લોકોને ખાસ સલાહ આપવામાં આવે છે કે જમીન પર સીધા સૂઈ જાય અને પોતાના માથા અને ચહેરાને બચાવવાનો પ્રયાસ કરે. લોકોને સલાહ આપવામાં આવી છે કે શરુઆતના વિસ્ફોટના વેવ પસાર થઈ ગયા પછી તાત્કાલિક નજીકની ઈમારતમાં જશો નહીં. બહારના વિસ્ફોટોને પણ જોવા નહીં તથા તેની તસવીર લેવાનો પણ પ્રયાસ કરશો નહીં. સુરક્ષિત શેલ્ટરનો ઉપયોગ કરો.