Thu Nov 19 2026

Logo

ફોર્મ્યુલા-1ને મળ્યો નવો સૌથી યુવા બાદશાહ, 73 વર્ષ પછી ઈટાલિયન રેસર બન્યો વર્લ્ડ ચેમ્પિયન!

Milan   2026-11-02 21:38:17
Author: Mumbai Samachar Team
ફોર્મ્યુલા-1ને મળ્યો નવો સૌથી યુવા બાદશાહ, 73 વર્ષ પછી ઈટાલિયન રેસર બન્યો વર્લ્ડ ચેમ્પિયન!

મિલાનઃ મર્સિડીઝના ડ્રાઈવર કિમી એન્ટોનેલી 20 વર્ષની ઉંમરે ફોર્મ્યુલા-1નો સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. તેણે રવિવારે મેક્સિકો સિટી ગ્રાન્ડ પ્રિકસમાં ત્રીજું સ્થાન હાંસલ કરીને 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. અગાઉ જર્મનીના સેબેસ્ટિયન વેટલે 2010માં 23 વર્ષ અને 133 દિવસની ઉંમરે પોતાનું પ્રથમ એફ-1 વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું.

કિમી એન્ટોનેલી 1953 પછી એફ-1 ચેમ્પિયન બનનાર પ્રથમ ઇટાલિયન ડ્રાઇવર પણ છે. એન્ટોનેલીએ ફક્ત તેની બીજી સીઝનમાં જ ટાઇટલ જીત્યું હતુ અને ચાર રેસ બાકી હોવા છતાં ચેમ્પિયનશિપ પોતાના નામે કરી લીધી હતી.

એન્ટોનેલી એફ-1 વર્લ્ડ ચેમ્પિયન બનતા ઈટાલિના લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. રવિવારે મેક્સિકો સિટી ગ્રાન્ડ પ્રિક્સમાં મર્સિડીઝના ડ્રાઈવર કિમી એન્ટોનેલી ત્રીજા સ્થાને રહ્યો હતો. આ સાથે તે એફ-1ના ઈતિહાસમાં સૌથી યુવા ચેમ્પિયન બન્યો હતો.

ઈટલીના લગભગ તમામ અખબારોએ તેમના પ્રથમ પાના પર એન્ટોનેલીનો ફોટો છાપ્યો હતો. કેટલાક અખબારોએ ભૂતપૂર્વ ચેમ્પિયનો લુઈસ હેમિલ્ટન અને મેક્સ વર્સ્ટાપેનના ખભા પર સવાર એન્ટોનેલીની તસવીર મૂકી હતી, જ્યારે અન્ય અખબારોમાં એન્ટોનેલી અને ઈટાલિયન ધ્વજ જોવા મળતો હતો.

ઈટાલીના સૌથી મોટા દૈનિકોમાંના એક 'લા રિપબ્લિકા'એ લખ્યું હતું કે "ઈટાલી રડ્યું, હસ્યું અને તેમની સાથે મળીને રડ્યું હતું." જેમાં એન્ટોનેલીના તે ભાવુક ક્ષણો વિશે વાત હતી જ્યારે તેઓ ફિનિશ લાઇન પાર કરતી વખતે રડી પડ્યો હતો 

ત્યાર બાદ ટાઈટલ જીતવાની ઉજવણી કરી હતી અને પોડિયમ પર ફરીથી ભાવુક થઈ ગયા હતા. તમામ અખબારોએ એ વાત પર ભાર મૂક્યો કે 1953માં આલ્બર્ટો અસ્કારી પછી એન્ટોનેલી આ ટાઈટલ જીતનાર પ્રથમ ઈટાલિયન છે. ઈટાલીના અન્ય રમતોના ચેમ્પિયન ખેલાડીઓએ પણ એન્ટોનેલીને અભિનંદન પાઠવ્યા હતા.

ટેનિસ સ્ટાર સિનરે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, "મામ્મા મિયા કિમી, તે કમાલ કરી દીધો! તારી પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપ બદલ અભિનંદન... તે દેશ માટે એક અદ્ભુત સિદ્ધિ મેળવી છે. અને યાદ રાખજે કે સમગ્ર ઈટાલીને તારા પર ગર્વ છે."

મોટરસાયકલિંગના દિગ્ગજ વેલેન્ટિનો રોસીએ કહ્યું, "અમને બધાને તારા પર ખૂબ ગર્વ છે," જ્યારે ઓલિમ્પિક ચેમ્પિયન સ્વિમર ફેડેરિકા પેલેગ્રિનીએ કહ્યું કે "તે ઈટાલિયન રમતોના ઈતિહાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રકરણ લખ્યું છે."

ઈટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ અભિનંદન પાઠવ્યા હતા. એન્ટોનેલીએ ફિનિશ લાઇન પાર કરી તેના થોડા જ સમયમાં તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. મેલોનીએ લખ્યું હતું કે, "કિમી એન્ટોનેલી વર્લ્ડ ચેમ્પિયન છે! માત્ર 20 વર્ષની ઉંમરે તેમણે એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે અને ફોર્મ્યુલા 1ના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે." 

"એક એવી સફળતા જે એક ઇટાલિયન ડ્રાઇવરને ફરીથી વિશ્વના સર્વોચ્ચ સ્થાને લાવે છે. આ સફળતા તેની પ્રતિભા, પ્રતિબદ્ધતા, દ્રઢ નિશ્ચય અને સમર્પણનું પરિણામ છે. તે આપણા રાષ્ટ્ર માટે ગર્વનો વિષય છે."

એન્ટોનેલી જ્યાં મોટો થયો તે વિસ્તારની નજીકના એક થિયેટરમાં 200થી વધુ લોકોએ મોટી સ્ક્રીન પર આ રેસ નિહાળી હતી. બીજી તરફ, હાલમાં આ ઇટાલિયન ડ્રાઇવર જ્યાં રહે છે તે સાન મેરિનોમાં એક સ્થાનિક પબમાં તેના મિત્રો અને ચાહકો તેને પ્રોત્સાહન આપવા માટે એકત્ર થયા હતા.