મુંબઈ: કોમેડિયન સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની બીજી સિઝનનો તાજેતરનો એપિસોડ ચર્ચામાં આવ્યો છે. આ વખતે રાહિલ નામનો સ્પર્ધક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંદાજમાં સ્ટેજ પર પહોંચ્યો હતો. ‘ઓડી જી’ના નામે આવેલા કન્ટેસ્ટંટ રાહિલે વડાપ્રધાનની હાવભાવ અને બોલવાની શૈલીની નકલ કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. તેના પર્ફોર્મન્સ દરમિયાન સમય રૈના અને પેનલમાં બેઠેલા તન્મય ભટ્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પેનલમાં રેપર એમસી સ્ટેન પણ હાજર હતો.
રૂપિયાના ઘટાડા પર કરી રમૂજ
રાહિલે વડાપ્રધાનના ગેટઅપમાં આવીને દેશના રૂપિયાના ઘટતા મૂલ્યનો ઉલ્લેખ કર્યો હતો. તેણે રમૂજી અંદાજમાં કહ્યું કે રૂપિયો નીચે ગયો છે, પરંતુ તેને ઉપર ઉઠાવનાર પણ પોતે જ છે. તેના આ સંવાદે કાર્યક્રમમાં હાસ્યનું વાતાવરણ ઊભું કર્યું હતું. રાહિલે પર્ફોર્મન્સ દરમિયાન વડાપ્રધાન સાથે જોડાયેલી કેટલીક જાણીતી ક્ષણોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેના હાવભાવ અને નકલને કારણે આ પર્ફોર્મન્સ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
સમય રૈનાએ કુણાલ કામરાને કર્યો વીડિયો કૉલ
રાહિલના પર્ફોર્મન્સને વધુ રસપ્રદ બનાવવા માટે સમય રૈનાએ કોમેડિયન કુણાલ કામરાને વીડિયો કૉલ કર્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાનની નકલ કરી રહેલા રાહિલ અને કુણાલ કામરા વચ્ચે રમૂજી સંવાદ થયો હતો. કુણાલે રાહિલને જવાબ આપ્યો હતો, જેના પર રાહિલે કટાક્ષ કરતાં પૂછ્યું કે શું તેણે આ મજાક વોટ્સએપ પરથી ઉઠાવી હતી? બંને વચ્ચેની આ હળવી ટિપ્પણીબાજીથી શોના પેનલિસ્ટ્સ અને દર્શકોનું મનોરંજન થયું હતું.
‘સર’ કહીને બોલાવતાં રાહિલે પણ લીધો ટોણો
વીડિયો કૉલ દરમિયાન કુણાલ કામરાએ રાહિલ સાથે વાત કરતાં તેને પૂછ્યું કે તે શું કરે છે અને કોમેડી કરે છે કે નહીં. ત્યાર બાદ કુણાલે પોતાની વાત સાંભળવા કહ્યું, ત્યારે રાહિલે તરત જ ટોણો મારતાં પૂછ્યું કે અચાનક તેને ‘સર’ કહીને કેમ બોલાવવામાં આવી રહ્યો છે. આ સંવાદે શોના આ ભાગને વધુ રમૂજી બનાવ્યો હતો. રાહિલે પર્ફોર્મન્સના અંતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની નકલ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ સમય રૈનાએ તેને વચ્ચે જ અટકાવ્યો હતો.
રાહિલને મળ્યા પૂરા 10 માર્ક્સ
આ પર્ફોર્મન્સની સાથે રાહિલને શોના પેનલ તરફથી પૂરા 10 માર્ક્સ મળ્યા હતા. ખાસ વાત એ હતી કે રાહિલે પર્ફોર્મન્સ પહેલાં જ પોતાના સ્કોરકાર્ડ પર 10 માર્ક્સ મળવાની આગાહી કરી હતી. શોમાં સ્પર્ધકોને પોતાના પર્ફોર્મન્સ માટે મળનારા સરેરાશ માર્ક્સનો અંદાજ લગાવવાનો હોય છે. રાહિલની આગાહી સાચી પડતાં તેણે એપિસોડમાં જીત મેળવી હતી.
સમય રૈનાનો શો ફરી ચર્ચામાં
‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ અગાઉ પણ વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો છે. શોના એક અગાઉના એપિસોડમાં રણવીર અલાહાબાદિયાની ટિપ્પણીને કારણે ભારે વિવાદ સર્જાયો હતો અને ત્યાર બાદ શોના પહેલી સીઝનના તમામ એપિસોડ્સને યુટ્યુબ પરથી હટાવવામાં આવ્યા હતા. હવે બીજી સિઝન સાથે સમય રૈનાનો શો ફરી ચર્ચામાં છે. રાહિલના પર્ફોર્મન્સ અને કુણાલ કામરા સાથેના સંવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.