Sat Nov 07 2026

Logo

સિગ્નલ અને OHEમાં ખામીએ ત્રણ લોકોના લીધા જીવ: એકનું મૃત્યુ, બે મૃતદેહો મળ્યા અને બે ઘાયલ...

2026-10-26 23:00:00
Author: Mumbai Samachar Team
સિગ્નલ અને OHEમાં ખામીએ ત્રણ લોકોના લીધા જીવ: એકનું મૃત્યુ, બે મૃતદેહો મળ્યા અને બે ઘાયલ...

(ચેતના રાજા)

મુંબઈ : મધ્ય રેલવેની સબર્બન લોકલ ટ્રેન સેવા ખોરવાતા સોમવારનો દિવસ મજે રેલવે માટે કાળો દિવસ સાબિત થયો હતો. રેલ વ્યવહાર ખોરવાવાની ઘટના  વચ્ચે સોમવારે ત્રણ અલગ-અલગ ઘટનાઓ બની હતી. ભાંડુપ સ્ટેશન પર એસી લોકલ ટ્રેનની અડફેટે આવવાથી ૨૧ વર્ષીય સાહિલ થિટેનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, ઘાટકોપર અને વિક્રોલી સ્ટેશનો વચ્ચે બે મૃતદેહો મળી આવ્યા હતા. વધુમાં, લોકલ ટ્રેન સેવાઓમાં મોડી થવાને કારણે રેલવે ટ્રેક પર ચાલી રહેલા બે વ્યક્તિઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાઓએ રેલવેમાં મુસાફરોની સુરક્ષાના મુદ્દાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.

મુલુંડ કોલોનીના અમર નગર વિસ્તારમાં રહેતો સાહિલ થિટે, ભાંડુપ નાઈટ હાઈસ્કૂલ અને જુનિયર કોલેજનો વિદ્યાર્થી હતો. સોમવારે તે ભાંડુપ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. પ્લેટફોર્મ નંબર બે પર લોકલ ટ્રેન આવી રહી હોવાની જાહેરાત સાંભળીને, તે ઝડપથી ત્યાં પહોંચવા માટે રેલવે ટ્રેક ઓળંગીને સામેના પ્લેટફોર્મ પર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) થી કલ્યાણ તરફ જઈ રહેલી એક એસી લોકલ ટ્રેન પ્લેટફોર્મ નંબર ત્રણની બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. સાહિલ આ ટ્રેનની અડફેટે આવી ગયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી; રેલવે પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું.

ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે બે મૃતદેહો મળી આવ્યા

ઘાટકોપર અને વિક્રોલી સ્ટેશનો વચ્ચે બે મૃતદેહો મળી આવ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ગવર્મેન્ટ રેલવે પોલીસ, સેન્ટ્રલ રેલવે) એ જણાવ્યું હતું કે આ મૃતદેહો સૌપ્રથમ એક મોટરમેન (ટ્રેન ચાલક) દ્વારા જોવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ મામલે તપાસ ચાલી રહી છે અને મૃત્યુનું કારણ હાલ જાણી શકાયું નથી.

 રેલવે ટ્રેક પર ચાલતી વખતે બે વ્યક્તિઓ ઘાયલ થયા

મધ્ય રેલવેનો વ્યવહાર ખોરવાતા લોકલ ટ્રેન સેવાઓ મોડી પડતા,  રેલવે ટ્રેક પર ચાલી રહેલા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત હાલતમાં રાજાવાડી હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં તેમને પ્રાથમિક તબીબી સારવાર આપવામાં આવી હતી અને તેમના ઘા પર પાટાપિંડી કરવામાં આવી હતી. તેમને થયેલી ઈજાઓનું ચોક્કસ કારણ અને ઘટનાના વિગતવાર સંજોગો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. પરંતુ આ તમામ દુર્ઘટનાઓના કારણે 26 મી ઓક્ટોબરનો દિવસ મધ્ય રેલવે માટે કાળો દિવસ સાબિત થયો હતો.

વધુ જુઓ...