Mon Nov 16 2026

Logo

બૅયોન અને ક્રેટાનાં 2.5 લાખ યુનિટના વેચાણનો હ્યુન્ડાઈ મોટરનો લક્ષ્યાંક...

2026-10-26 20:04:10
Author: Ramesh Gohil
બૅયોન અને ક્રેટાનાં 2.5 લાખ યુનિટના વેચાણનો હ્યુન્ડાઈ મોટરનો લક્ષ્યાંક...

Hyundai


નવી દિલ્હીઃ ઝડપભેર વિકસી રહેલા મિડ સાઈઝ એસયુવી સેગ્મેન્ટમાં હ્યન્ડાઈ મોટર ઈન્ડિયા પોતાનું નેતૃત્વ જાળવી રાખવા માગે છે અને તે માટે આગામી વર્ષ 2027માં કંપનીએ તેના મોડૅલ બૅયોન અને ક્રેટાનાં વેચાણનો લક્ષ્યાંક 2.5 લાખ યુનિટનો રાખ્યો હોવાનું કંપનીની ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરૂણ ગર્ગે જણાવ્યું છે.આગામી વર્ષમાં અમે ક્રેટા અને બૅયોન મળીને વાર્ષિક 2.50 લાખ યુનિટથી વધુ વેચાણની અમે ધારણા રાખી રહ્યા છીએ. આ વેચાણ સાથે અમે મિડ સેગ્મેન્ટમાં અમારું અગે્રસરનું સ્થાન જાળવી રાખશું એ સ્પષ્ટ છે.

જોકે, 2.50 લાખ યુનિટ એ કોઈ નિશ્ચિત મર્યાદા નથી તે તો માત્ર આરંભિક અથવા તો બેઝલાઈન આધાર છે અને અમે સતત આગળ ધપતા રહીશું, એમ તેમણે નવી બૅયોનના લૉન્ચિંગ સમયે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું. સ્થાનિક ઔદ્યોગિક સંગઠન સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સની આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષમાં 4થી 4.4 મીટર સુધીની લંબાઈ ધરાવતા એસયુવી સહિત મિડ સાઈઝ યુટિલિટી વેહિકલ્સનું વેચાણ લગભગ નવ લાખ યુનિટનું થયું હતું.

હ્યુન્ડાઈએ છેલ્લાં બે નાણાકીય વર્ષમાં આ સેગ્મેન્ટમાં લગભગ બે લાખ યુનિટનું વેચાણ કર્યું છે જેમાં મોટો ફાળો માત્ર ક્રેટાનો જ છે. નાણાકીય વર્ષ 2026માં કુલ સ્થાનિક વેચાણમાં હ્યુન્ડાઈનો આ સેગ્મેન્ટનો હિસ્સો અંદાજે 35 ટકા જેટલો રહ્યો હતો. નવી બૅયોન જેની આરંભિક એક્સ શૉ રૂમ ધોરણે કિંમત રૂ. 9.99 લાખ છે તેને હ્યુન્ડાઈનાં પોર્ટફોલિયોમાં સબ 4 મીટર કોમ્પેક્ટ એસયુવી વેન્યુ અને મિડસાઈઝ એસયુવી ક્રેટાની વચ્ચેનું સ્થાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં ક્રેટાના વેચાણ પર દબાણ જોવા મળી રહ્યું છે ત્યારે કંપની આ સેગ્મેન્ટમાં બીજા ઉત્પાદનો સાથે પોતાનો વિસ્તાર વધારવા માગે છે. 

આ સેગ્મેન્ટનું કદ અને તેમાં થઈ રહેલો વિકાસ હ્યુન્ડાઈનાં એકથી વધુ મોડૅલ્સને સમાવવા માટે સક્ષમ છે, એમ ગર્ગે જણાવ્યું હતું. જોકે, જ્યારે તેમને એક જ શ્રેણીમાં અનેક મોડૅલ્સ રાખવા બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ બાબત જે તે સેગ્મેન્ટના કદ પર આધાર રાખે છે અને જો તેમાં તક હોય તો શા માટે તક નહીં ઝડપવી.અગાઉ આ સેગ્મેન્ટમાં હ્યુન્ડાઈ પાસે માત્ર ક્રેટા હતી, જ્યારે તેની સામે મારુતિ સુઝુકીનાં વિટારા, વિક્ટોરિસ અને અર્ટિગા એમ ત્રણ મોડૅલ હતા અને ટાટા મોટર્સ પાસે કર્વ અને સિઆરા એમ બે મોડૅલ ઉપલબ્ધ છે.

વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છમાસિક ગાળામાં ક્રેટાનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે નવ ટકાથી વધુ ઘટીને 89,727 યુનિટ પર આવી ગયું છે. જોકે, સમગ્ર ઉદ્યોગમાં આ સેગ્મેન્ટના વેચાણમાં 50 ટકાથી વધુ માત્રામાં ઉછાળો જોવા મળ્યો છે. જોકે, ગર્ગે આ માટે બજારમાં ડીઝલ મોડૅલ્સનાં મર્યાદિત પુરવઠાને જવાબદાર લેખાવતા જણાવ્યું કે ક્રેટાના ડીઝલ વેરિઅન્ટ માટે એક મહિનાથી વધુ વેઈટિંગ પિરિયડ છે.

નોંધનીય બાબત એ છે કે ગત મે, 2025માં હ્યુન્ડાઈ મોટરે આ દાયકાના અંત સુધીમાં ભારતમાં 26 મોડૅલ રજૂ કરવાની યોજના જાહેર કરી હતી. તેમાં 20 આઈસીઈ (ઈન્ટરર્નલ કમ્બ્યુસન એન્જિન) વાહનો અને છ ઈલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થશે, એમ જણાવ્યું હતું. આ શ્રેણીમાં સંપૂર્ણ નવા મોડૅલ્સ, હાલના મોડૅલમાં ફેરફારો અને વર્તમાન પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં કરવામાં આવતા સુધારાનો સમાવેશ થાય છે. દક્ષિણ કોરિયાની પેરેન્ટ કંપની હ્યુન્ડાઈ મોટર કંપનીએ તાજેતરમાં આગામી વર્ષ 2032 સુધીમાં ભારતમાં 15.5 અબજ ડૉલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.