Tue Oct 06 2026

Logo

46 વર્ષ પછી પણ દિલ તૂટેલા આશિકોનું સહારો છે લતા મંગેશકરનું આ ગીત! આનંદ બક્ષીના શબ્દોની કમાલ; જાણો 'આશા' ફિલ્મની રસપ્રદ કહાણી

2026-10-06 20:16:02
Author: Darshana Visaria
46 વર્ષ પછી પણ દિલ તૂટેલા આશિકોનું સહારો છે લતા મંગેશકરનું આ ગીત! આનંદ બક્ષીના શબ્દોની કમાલ; જાણો 'આશા' ફિલ્મની રસપ્રદ કહાણી

બોલીવૂડમાં રોમેન્ટિક કે લવ સોંગ્સની તુલનામાં દર્દભર્યા સેડ સોંગ્સ કે બ્રેકઅપ ગીતોની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ જે ગીતો બન્યા છે તે દાયકાઓ સુધી લોકોના દિલ અને દિમાગ પર રાજ કરે છે. આવું જ એક કલ્ટ ક્લાસિક ગીત છે સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના સુરીલા અવાજમાં ગવાયેલું શીશા હો યા દિલ હો, આખિર તૂટ જાતા હૈ...

ફિલ્મ રીલિઝના 46 વર્ષ વીતી ગયા હોવા છતાં, આજે પણ જ્યારે કોઈ વ્યક્તિ દિલ તૂટવાના દર્દ કે હાર્ટ બ્રેકની પરિસ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે આ ગીત તેની પ્રથમ પસંદ બની જાય છે. ગીતના ઊંડા શબ્દો, સંગીત અને લતાજીના ભાવુક અવાજે તેને હિન્દી સિનેમાના ઇતિહાસનું સર્વકાલીન શ્રેષ્ઠ વિરહ ગીત બનાવી દીધું છે. 

'શીશા હો યા દિલ હો, આખિર તૂટ જાતા હૈ' લખનાર મહાન ગીતકાર આનંદ બક્ષી શબ્દોના જાદુગર ગણાતા હતા. આ ગીતના અંતરાના અંતમાં આનંદ બક્ષીનો ખૂબ જ ચતુર અને ગહન વર્ડ-પ્લે જોવા મળે છે કે 'કોઈ લુટ જાતા હૈ / કોઈ લૂટ જાતા હૈ'. અહીં 'લુટ'નો અર્થ છે લાગણીઓની દ્રષ્ટિએ બરબાદ થઈ જવું કે સર્વસ્વ ગુમાવી દેવું, જ્યારે 'લૂટ'નો અર્થ થાય છે કોઈના દ્વારા છેતરાઈ જવું કે લૂંટાઈ જવું. આ બંને પરિસ્થિતિઓને તેમણે એક જ કડીમાં અત્યંત સહજતાથી વણી લીધી છે.

અહીં વાત થઈ રહી છે વર્ષ 1980માં રિલીઝ થયેલી સુપરહિટ ડ્રામા ફિલ્મ 'આશા'નું છે. ફિલ્મની વાર્તામાં જ્યારે લીડ એક્ટ્રેસ 'આશા'ને પ્રેમમાં દગો અને કડવી વાસ્તવિકતાનો અહેસાસ થાય છે, ત્યારે તે સ્ટેજ પર દર્શકો સમક્ષ આ દર્દભર્યું ગીત ગાય છે. આ ગીત અભિનેત્રી રીના રોય અને સુપરસ્ટાર જીતેન્દ્ર પર ફિલ્માવવામાં આવ્યું હતું, જેમાં રીના રોયના ચહેરા પરના દર્દના ભાવોએ દર્શકોને રડાવી દીધા હતા.

આ ભાવુક ગીતને ભારતની પ્રખ્યાત સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલે સ્વરબદ્ધ કર્યું હતું. ઢોલક અને વાયોલિનના અદભુત મિશ્રણ સાથે લતાજીના દર્દભર્યા સૂરોએ ગીતને અમર બનાવી દીધું હતું. ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક જે. ઓમપ્રકાશ હતા. આ ફિલ્મમાં જીતેન્દ્ર, રીના રોય અને રામેશ્વરીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરીને બ્લોકબસ્ટરનો દરજ્જો મેળવ્યો હતો.