Tue Oct 06 2026

Logo

એક ગીત જેણે વિનોદ ખન્નાને 'વિલન'માંથી બનાવ્યા 'રોમેન્ટિક' હીરો, કઈ ફિલ્મ હતી?

2026-10-06 14:52:04
Author: Mumbai Samachar Team
એક ગીત જેણે વિનોદ ખન્નાને 'વિલન'માંથી બનાવ્યા 'રોમેન્ટિક' હીરો, કઈ ફિલ્મ હતી?

મુંબઈ: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્ના પોતાની શાનદાર એક્ટિંગ, ઊંચી કદ-કાઠી, આકર્ષક વ્યક્તિત્વ અને ચાર્મિંગ સ્માઈલ માટે જાણીતા હતા. જોકે કરિયરના શરૂઆતના તબક્કામાં તેમને રોમેન્ટિક હીરો તરીકે જોવામાં આવતા નહોતા. આજે એટલે છઠ્ઠી ઓક્ટોબરે વિનોદ ખન્નાના બર્થ-ડે નિમિત્તે તેમની ફિલ્મી કરિયરની એ સ્ટોરી હાલમાં ચર્ચામાં આવી છે, જ્યારે એક ગીતે તેમની પડદા પરની આખી ઈમેજ બદલી નાખી હતી.

 

વર્ષ 1972માં આવેલી ફિલ્મ ‘પરછાઈયાં’નું ગીત ‘સાંસોં મેં કભી, દિલ મેં કભી’ વિનોદ ખન્ના માટે કરિયરમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થયું હતું. આ ગીત વિનોદ ખન્ના અને રેશમા પર ફિલ્માવવામાં આવ્યું હતું. તેને મોહમ્મદ રફી અને આશા ભોસલેએ અવાજ આપ્યો હતો, જ્યારે ફિલ્મનું સંગીત આર.ડી. બર્મનનું હતું. ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી, પરંતુ આ ગીતે દર્શકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.

આ ગીતમાં વિનોદ ખન્નાનો રોમેન્ટિક અંદાજ દર્શકોને એટલો પસંદ આવ્યો કે ફિલ્મ મેકર્સની તેમના પ્રત્યેની વિચારસરણી પણ બદલાવા લાગી હતી. અગાઉ તેમની અંદર રોમેન્ટિક હીરોવાળો કરિશ્મા દેખાતો નહોતો, પરંતુ ‘સાંસોં મેં કભી’ પછી તેમની સ્ક્રીન ઈમેજનું એક રોમેન્ટિક પાસું જોવા મળ્યું હતું. આ ગીતે તેમને રોમેન્ટિક હીરો તરીકે ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

અમિતાભ બચ્ચનના સ્ટારડમને આપી હતી ટક્કર 

એક અહેવાલ અનુસાર, જો તેમણે 1980ના દાયકાની શરૂઆતમાં ફિલ્મોમાંથી હંગામી નિવૃત્તિ લીધી ના હોત, તો તેઓ અમિતાભ બચ્ચન માટે મોટી સ્ટારડમની ટક્કર ઊભી કરી શક્યા હોત. એના પછી વિનોદ ખન્નાની લોકપ્રિયતા સતત વધી અને 1975થી 1982 વચ્ચે તેમણે અનેક સફળ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. 

‘કૈદ’ (1975), ‘ઈંકાર’ (1977), ‘આપ કી ખાતિર’ (1977), ‘ખૂન કી પુકાર’ (1978), ‘યુવરાજ’ (1979), ‘લહૂ કે દો રંગ’ (1979), ‘ગરમ ખૂન’ (1980), ‘જાલિમ’ (1980), ‘જેલ યાત્રા’ (1981) અને ‘તાકત’ (1982) જેવી ફિલ્મોએ તેમની સ્ટાર ઈમેજને વધુ મજબૂત બનાવી હતી. 

વિનોદ ખન્નાના હાથમાંથી 'દોસ્તાના' સરકી ગઈ!

તેમના સ્ટારડમનો અંદાજ ‘દોસ્તાના’ સાથે જોડાયેલા એક રસપ્રદ કિસ્સાથી પણ લગાવી શકાય છે. દિગ્દર્શક રાજ ખોસલા ફિલ્મમાં શત્રુઘ્ન સિન્હા માટેનો રોલ પહેલા વિનોદ ખન્નાને આપવા માંગતા હતા, પરંતુ બાદમાં શત્રુઘ્ન સિન્હાને પસંદ કરવામાં આવ્યા હતા. 

મીડિયા અહેવાલ મુજબ, મેકર્સને લાગતું હતું કે જો અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના બંને ફિલ્મમાં હોય, તો દર્શકો માટે જિન્નત અમાનના પાત્રનું વિનોદ ખન્નાને છોડીને અમિતાભ બચ્ચનને પસંદ કરવું વિશ્વસનીય લાગશે નહીં. આ કિસ્સો તે સમયના વિનોદ ખન્નાના સ્ટારડમની ઝલક આપે છે.