ગાંધીનગર: મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત સરકારે આકાશમાં ઊંચી ઉડાન ભરી છે અને ગુજરાતમાં સિવિલ એવિએશનનું મજબૂત માળખુ તૈયાર થતાં કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગુજરાત નેશનલ હબ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશમાં એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ટરમાં મહત્વનાં પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે અને યુવાનો માટે કારકિર્દીના નવાં દ્વારો ખુલ્યા છે.
ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO)નું મજબૂત ઇકોસિસ્ટમ ઊભું કરીને એવિએશન ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે આગોતરો અને દૂરંદેશી અભિગમ અપનાવ્યો છે. સિવિલ એવિએશન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL)ના માધ્યમથી ગુજરાતે પોતાનું મજબૂત એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કર્યું છે.
મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં સિવિલ એવિએશન વિભાગ દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ થકી ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનો વિકાસ કરી રહ્યું છે.
આ માળખા હેઠળ રાજ્ય માલિકીના એરપોર્ટ અને એરસ્ટ્રિપો પર આશરે 1,500 ચોરસ મીટર જમીન પારદર્શક બિડિંગ પ્રક્રિયા દ્વારા પાત્ર ઓપરેટરોને ફાળવવામાં આવી છે. આ પહેલનો હેતુ કુશળ એવિએશન માનવબળ તૈયાર કરવાનો છે અને ખાનગી રોકાણ આકર્ષવાનો છે.
ભારતનું સિવિલ એવિએશન ક્ષેત્ર વધતા પેસેન્જર ટ્રાફિક, ઉડાન યોજના હેઠળ પ્રાદેશિક કનેક્ટિવિટીના વિસ્તરણ અને સ્થાનિક એરલાઇનો દ્વારા મોટા પાયે નવા વિમાનોની ખરીદીના કારણે ઝડપથી વિકસી રહ્યું છે. ભારતીય એરલાઇનોએ સંયુક્ત રીતે આશરે 1,700 નવા વિમાનોના ઓર્ડર આપ્યા છે, જેના પરિણામે આગામી વર્ષોમાં અંદાજે 25,000થી 30,000 કોમર્શિયલ પાયલટની માંગ ઊભી થવાની શક્યતા છે. આ ઉભરી રહેલી તકને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સિવિલ એવિએશન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) મારફતે વિશ્વસ્તરીય પાયલટ તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ગુજરાત બન્યું ભારતનું ફ્લાઇંગ ટ્રેનિંગ હબ
હાલમાં રાજ્યમાં પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO)કાર્યરત છે. તેમાંથી ચાર રાજ્ય માલિકીની મહેસાણા અને અમરેલી એરસ્ટ્રિપો પર કાર્યરત છે, જ્યારે એક FTO ભારતીય એરપોર્ટ ઓથોરિટી (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા)દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર ભાવનગર એરપોર્ટ ખાતે કાર્યરત છે.
કાર્યરત FTOમાં મહેસાણા ખાતે સ્કાયનેક્સ એરો પ્રા. લિ અને બ્લૂ રે એવિએશન પ્રા. લિ.; અમરેલી ખાતે વિઝન ફ્લાઇંગ ટ્રેઇનીંગ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત ફ્લાઇંગ ક્લબ તથા ભાવનગર ખાતે દુનેસ એવિએશન પ્રા.લિનો સમાવેશ થાય છે.
રાજ્યની એવિએશન ક્ષેત્રની મહત્વાકાંક્ષાઓને વધુ વેગ મળવાનો છે, કારણ કે, વધુ પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન ટૂંક સમયમાં કાર્યરત થશે. આ તમામ સંસ્થાઓ કાર્યરત થયા બાદ ગુજરાતમાં કુલ 10 ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનું નેટવર્ક હશે, જે ગુજરાતને ભારતના સૌથી મોટા રાજ્યસ્તરીય પાયલટ તાલીમ ઇકોસિસ્ટમમાંનું એકમ બનાવશે.”
ગુજરાતની ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનોએ સંયુક્ત રીતે અત્યાર સુધીમાં 5,200થી વધુ એવિએશન વિદ્યાર્થીઓને તાલીમ આપી છે, 3,200થી વધુ કોમર્શિયલ પાયલટ લાઇસન્સ (CPL) ધારકો તૈયાર કર્યા છે અને 200થી વધુ ભાવિ પાયલોટોને તાલીમ આપી રહી છે.
આ સંસ્થાઓમાં ગુજરાત ફ્લાઇંગ ક્લબનું વિશેષ સ્થાન છે. વર્ષ 1958માં વડોદરા એરપોર્ટ ખાતે સ્થાપિત આ સંસ્થા આજે પણ ભારતની સૌથી લાંબા સમયથી કાર્યરત ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) માન્ય ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓમાંની એક છે.
અનુકૂળ હવામાન ગુજરાતને વધારાનો લાભ આપે છે
એવિએશન તાલીમ ક્ષેત્રે ગુજરાતને અનેક પરિબળો સ્પર્ધાત્મક લાભ આપે છે. રાજ્યમાં આખુ વર્ષ ફ્લાઇંગ માટે અનુકૂળ હવામાન પુરુ પાડે છે, એરપોર્ટ અને એરસ્ટ્રિપ્સનું વ્યાપક નેટવર્ક છે. ઉપરાંત, રાજ્ય પાસે માલિકીનું એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. વળી, મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ સપોર્ટ, ઉત્તમ માર્ગ જોડાણ તથા રોકાણકારોને અનુકૂળ નીતિ ઉપલબ્ધ છે.
મજબૂત FTO ઇકોસિસ્ટમથી આર્થિક લાભમાં વધારો
પાયલટ તૈયાર કરવા ઉપરાંત, વિસ્તરી રહેલું FTO ઇકોસિસ્ટમ નોંધપાત્ર આર્થિક લાભોનું સર્જન કરશે. દરેક ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન માટે વિમાનો, સિમ્યુલેટર્સ, મેન્ટેનન્સ હેંગર્સ, ફ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાસરૂમ્સ, હોસ્ટેલ અને વહીવટી સુવિધાઓમાં મોટા પાયે રોકાણ જરૂરી બને છે.
આવા રોકાણોથી ગુજરાતની એવિએશન ઇકોનોમી વધુ મજબૂત થવાની સાથે કોમર્શિયલ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર્સ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ, ફ્લાઇટ ડિસ્પેચર્સ, ઓપરેશન્સ ઓફિસર્સ, સેફ્ટી પ્રોફેશનલ્સ, વહીવટી કર્મચારીઓ અને ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટાફ માટે રોજગારીની તકો ઊભી થશે.