ભાવનગર: જિલ્લાના ત્રાપજ નજીક આજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક પેસેન્જર કાર આગળ દોડી રહેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં ઘટનાસ્થળે જ 6 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.
કારનો કચ્ચરઘાણ વળી ગયો
મળતી માહિતી મુજબ, કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને વાહનનો આગળનો ભાગ ટ્રેલર નીચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તથા હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોતજોતામાં સ્થળ પર લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયાં હતાં અને સ્થાનિકોએ પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી.

મૃતદેહોને બહાર કાઢવા જહેમત ઉઠાવવી પડી
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કાર એટલી હદે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી કે અંદર ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી તમામ ૬ મૃતદેહોને બહાર કાઢી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

આ અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે હળવો કરાવી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર તમામ યુવકો અલંગના પ્લોટ નં. 137 ના કર્મચારીઓ હોવાનું ખુલ્યું છે. આ પ્લોટના માલિક ભાવનગરના જયુભાઈ શાહ - ટાણાવાળા હોવાનું જાણવા મળ્યું છે અને મૃતકોમાં પ્લોટના મેનેજરનો પણ સમાવેશ થાય છે. રોજની જેમ સવારે નોકરી પર જતી વખતે જ કાળે તેમને ભરખી લેતા પરિવારજનોમાં કલ્પાંત છવાયો છે. તળાજા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.