ભુજઃ ઉત્તર પશ્ચિમ રેલવે અંતર્ગત આવતા રેવાડી સેક્શનમાં આધુનિક ઓટોમેટિક સિગ્નલિંગ પ્રણાલીના કમિશનિંગ અર્થે લેવાયેલા ટ્રાફિક બ્લોકના કારણે કચ્છથી દિલ્હી તરફ દોડતી રેલવે સેવાઓ પ્રભાવિત થઈ છે. રેલવે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી તકનીકી કામગીરીને પગલે ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા ટ્રેન તા. ૬ ઓક્ટોબર તેમજ સામે દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ તા. ૭ ઓક્ટોબરના રોજ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
રેલવે વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ બ્લોકના સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા જળવાઈ રહે તે માટે કેટલીક મહત્ત્વપૂર્ણ ટ્રેનોના રૂટમાં ફેરફાર (ડાયવર્ઝન) કરવામાં આવ્યા છે:
તા. ૬ ઓક્ટોબરના રોજ ઉપડનારી ટ્રેન નંબર ૧૯૪૦૩ (ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ) પોતાના નિયત માર્ગ ‘રેવાડી–પાલમ–દિલ્હી’ના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ ‘રેવાડી–ભિવાની–દિલ્હી’ થઈને દોડશે. ટ્રેન નંબર ૧૪૩૧૨ (ભુજ – બરેલી ‘આલા હજરત’ એક્સપ્રેસ) તા. ૬ ઓક્ટોબરના રોજ પોતાના નિર્ધારિત રૂટના સ્થાને પરિવર્તિત માર્ગ ‘રેવાડી–ભિવાની–દિલ્હી’ થઈને આગળ પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર ૧૪૩૨૧ (બરેલી–ભુજ એક્સપ્રેસ) ટ્રેન પણ પોતાના નિયત માર્ગના બદલે ‘દિલ્હી–રોહતક–ભિવાની–રેવાડી’ થઈને ભુજ તરફ આવશે.
રેલવે પ્રશાસને જણાવ્યું હતું કે, ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે આ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં ટ્રેનોની ગતિ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. રૂટમાં ફેરફાર અને ટ્રેનો રદ થવાના કારણે કચ્છથી રાજધાની દિલ્હી તેમજ ઉત્તર ભારત તરફ મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને રેલવે સમયપત્રકની ખાતરી કરીને મુસાફરી શરૂ કરવા અનુરોધ કરાયો છે.
(ઉત્સવ વૈદ્ય)