અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લાયદુબઈ ફ્લાઇટમાં થયેલા હુમલાને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોમવારે કહ્યું કે તેઓ વ્યક્તિગત (પર્સનલી) માને છે કે આ હુમલા પાછળ ઈરાન જવાબદાર હતું. વ્હાઈટ હાઉસની બહાર પત્રકારોના સવાલોના જવાબમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે ફ્લાઇટમાં થયેલા હુમલા માટે ઈરાન જવાબદાર છે? ટ્રમ્પે જવાબ આપ્યો, "હા, હું એવું માનું છું. હું અંગત રીતે એવું માનું છું."
આ મામલો 30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં સામે આવ્યો હતો. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી આ ફ્લાઇટમાં ઓમાની કો-પાયલોટ હમામ અલ-હમ્મામીએ કોકપિટની અંદર ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. તેણે કેપ્ટન પર કુહાડીથી હુમલો કર્યો અને કથિત રીતે વિમાનને નીચે પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો.
ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કોકપિટ ખોલ્યું
હુમલામાં સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેમ છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો, જેનાથી મુસાફરો અને ડ્યુટી પર ન હોય તેવા બીજા ક્રૂ મેમ્બર અંદર પહોંચી શક્યા અને હમ્મામીને કાબૂમાં લઈ લીધો.
ઇઝરાયેલી રિપોર્ટમાં હમ્મામીનું ષડયંત્ર હોવાનો દાવો
રવિવારે પ્રકાશિત 'ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ'ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે હમામીની કથિત યોજના વિમાનને ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ તરફ લઈ જવાની હતી.
રિપોર્ટ અનુસાર, પૂછપરછમાં તેણે કથિત રીતે જણાવ્યું કેપ્ટન મચ્છરને કાબૂ કર્યા બાદ તે સામાન્ય રીતે ફલાઇટ ચલાવતો અને જરુરી લેંડિંગ ક્લિયરન્સ મેળવી લેતો અને વિમાનને એરપોર્ટની કોઇ સુવિધા કે ત્યાં ઉભેલા વિમાન સાથે ટકરાવી દેતો.
સ્મિત મચ્છરને બતાવ્યો ‘હીરો’
હુમલાને નિષ્ફળ કરવામાં કેપ્ટન સ્મિત મચ્છરની ભૂમિકાની ઘણી ચર્ચા થઇ. સારવાર દરમ્યાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ વીડિયો કોન્ફરન્સમાં તેમને "ઇઝરાયેલા, ભારત અને દુનિયાના હીરો ગણાવ્ય હતા.