વેસાવે, યારી રોડ, લોખંડવાલા અને આસપાસના વિસ્તારોના નાગરિકોને રાહત આપશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (પશ્ર્ચિમ) માં યારી રોડ અને લોખંડવાલા બૅક રોડ જંકશન, અમરનાથ ટાવર બિલ્ડિંગ નજીક મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ફ્લાયઓવર બાંધવામાં આવી રહ્યો છે, જેનું કામ પૂરું કરવા માટે ડિસેમ્બર ૨૦૨૭ની ડેડલાઈન આપવામાં આવી છે. પ્રસ્તાવિત ફ્લાયઓવરને કારણે યારી રોડ, પંચમાર્ગ, વેસાવે વિસ્તાર ભવિષ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ નગર (અંધેરી પશ્ર્ચિમ), લોખંડવાલા કોમ્પ્લેક્સ અને સમર્થનગર સાથે સીધો જોડાઈ જશે.
પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે સોમવારે ક્ધસ્ટ્રકશન સાઈટનું ઈન્સ્પેકશન કર્યું હતું. એ દરમ્યાન તેમણે ફ્લાયઓવરનું બાંધકામ ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પાલિકાના ડેવલપમેન્ટ પ્લાન ડ્રાફ્ટ અનુસાર અંધેરી (પશ્ર્ચિમ)માં કવઠે ક્રીકની પૂર્વ અને પશ્ર્ચિમ બાજુએ ૧૮.૩૦ મીટર પહોળો ડેલવપમેન્ટ પ્લાન (ડીપી) હેઠળ રોડ પ્રસ્તાવિત છે. જોકે કવઠે ખાડી રસ્તાના વિકાસ કામમાં અવરોધો આવી રહ્યા હોવાથી યોજના મુજબના રસ્તાને પૂર્ણ કરવા માટે આ ખાડી પર પુલ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. પ્રસ્તાવિત ફ્લાયઓવર યારી રોડ, પંચમાર્ગ, વેસાવે વિસ્તાર, સરદાર વલ્લભભાઈ પટેલ નગર, લોખંડવાલા કોમ્પ્લેક્સ અને સમર્થનગર વિસ્તારો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં મદદ કરશે.
આ પુલની કુલ લંબાઈ ૨૦૬ મીટર છે અને તે કવઠે ખાડી પરથી પસાર થશે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ નગર બાજુનો કનેક્ટિંગ રોડ ૪૦ મીટર છે, જ્યારે અમરનાથ ટાવર બાજુનો કનેક્ટિંગ રોડ ૫૬ મીટરનો છે. મુખ્ય પુલની લંબાઈ ૧૧૦ મીટર છે અને પુલની પહોળાઈ ૧૧ મીટર છે. કનેક્ટિંગ રોડ અને મુખ્ય પુલની પહોળાઈ સમાન રહેશે.
પુલના સુપરસ્ટ્રક્ચર માટે ૧૧૦ મીટર લાંબા સિંગલ-સ્પાન સ્ટીલ ‘બાસ્કેટ હેન્ડલ આર્ચ’ માળખું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. પુલના સબ-સ્ટ્રક્ચર માટે એક રિઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રિટ એબ્યુટમેન્ટ વોલ (આરસીસી એબ્યુટમેન્ટ વોલ) અને એબ્યુટમેન્ટ કેપ (આરસીસી એબ્યુટમેન્ટ કેપ) પ્રસ્તાવિત કરવામાં આવી છે. પુલના પાયા માટે એક રિઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રિટ પાઇલ ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે.
આ પુલ વેસાવે વિસ્તારના નાગરિકોના દૈનિક મુસાફરી સમયને મોટા પ્રમાણમાં ઘટાડવામાં મદદ કરશે. ઉપરાંત આ વિસ્તારમાં ટ્રાફિક ભીડ ઓછી થશે અને પૂર્વ-પશ્ર્ચિમ ટ્રાફિક જોડાણ વધુ ઝડપી બનાવશે. આગામી વેસાવે - બાંદ્રા સી લિંક અને મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (ઉત્તર) શરૂ થયા પછી આ પુલ વૈકલ્પિક માર્ગ તરીકે પણ ઉપલબ્ધ થશે. આ વિસ્તારમાંથી વર્તમાન મુસાફરીનો સમય લગભગ ૩૦ મિનિટ સુધી ઘટી જવાની શક્યતા છે. તેથી આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ વેસાવે, યારી રોડ, લોખંડવાલા અને આસપાસના વિસ્તારોના નાગરિકોને મોટી રાહત આપશે અને આ વિસ્તારમાં પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો કરવામાં મદદ કરશે.