મુંબઈ: અજય દેવગન અને તબ્બુ સ્ટારર સસ્પેન્સ થ્રિલર ‘દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન’ બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. 2 ઓક્ટોબર, 2026ના રિલીઝ થયેલી અભિષેક પાઠકની આ ફિલ્મ એક રોમાંચક અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે, જે લોકોને છેલ્લે સુધી જકડી રાખે છે.
ફિલ્મની વાર્તા ‘દૃશ્યમ 2’ જ્યાં પૂરી થઈ હતી, ત્યાંથી આગળ વધે છે. અજય દેવગન ફરી વિજય સાલગાંવકરના રોલમાં જોવા મળે છે, જ્યારે તબ્બુ મીરા દેશમુખના પાત્રમાં છે. આ વખતે કેસમાં જયદીપ અહલાવત એસપી રાજવીર સિંહ તોમર તરીકે એન્ટ્રી કરે છે અને પોલીસના હાથમાં વિજય વિરુદ્ધ નવો પુરાવો છે. સાથે જ પ્રકાશ રાજનો વકીલ ઇન્દ્રજીત શેટ્ટી પણ વિજય માટે નવી મુશ્કેલી ઊભી કરે છે. વાર્તામાં હવે મુખ્ય સવાલ છે કે 23 જુલાઈએ ખરેખર શું થયું હતું?
‘દૃશ્યમ 3’એ આ સાથે 2026માં આવેલી ‘બોર્ડર 2’ને પણ પાછળ છોડી દીધી છે. ‘બોર્ડર 2’એ ચાર દિવસમાં 180 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ‘દૃશ્યમ 3’નું ચાર દિવસનું ભારત નેટ કલેક્શન 197.50 કરોડ રૂપિયા છે. ફિલ્મની આ રફ્તાર તેને અજય દેવગનની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ અને સૌથી સફળ ફિલ્મોમાં સ્થાન અપાવી રહી છે.
'દ્રશ્યમ 3' ફિલ્મના ચોથા દિવસે કુલ 16,274 શો યોજાયા હતા. ચોથા દિવસે ફિલ્મે 21 કરોડની કમાણી કરી છે. વિદેશોમાં ફિલ્મે 5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચાર દિવસમાં 303 કરોડ રૂપિયાનો વર્લ્ડવાઈડ આંકડો પર કર્યો છે.
‘દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી અને અંતિમ કડી છે. ફિલ્મમાં શ્રિયા સરન, રજત કપૂર, ઈશિતા દત્તા સહિતના કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનો પહેલો ભાગ વિજય અને રાજવીર વચ્ચેના માઇન્ડ ગેમ પર આધારિત છે, જ્યારે બીજા ભાગમાં કોર્ટરૂમ ડ્રામા અને જોરદાર ક્લાઇમેક્સ જોવા મળે છે. હિન્દી વર્ઝનની વાર્તા મલયાલમ ફ્રેન્ચાઇઝીથી અલગ રાખવામાં આવી છે.